ગળામાં રૂદ્રાક્ષ, માથે ત્રિપુંડ અને ભગવા વસ્ત્રો.., કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની સુરક્ષા કરી રહ્યા છે પોલીસકર્મીઓ
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ પૂરતી સુરક્ષા સાથે

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ પૂરતી સુરક્ષા સાથે સારી રીતે દર્શન પૂજા પાઠ કરી શકે તે માટે વારાણસી પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાશી વિશ્વનાથના ગર્ભગૃહમાં પોલીસકર્મીઓ પૂજારીના પહેરવેશમાં જોવા મળી રહ્યા છે. અહીં તૈનાત સુરક્ષાકર્મીઓ ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ત્રિપુંડ અને ભગવા પોશાક પહેરેલા જોવા મળશે.
હાલમાં મંદિરમાં જે પ્રકારે પોલીસ તૈનાત છે તેનાથી દૂરદૂરથી આવતા ભક્તોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉપરાંત ભક્તો દ્વારા દુર્વ્યવહાર કરાયાની ફરિયાદો મળી રહી હતી. જેને પગલે વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે નિર્ણય લીધો છે કે મંદિરની પોલીસિંગની એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ, જેના માટે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પુજારીઓના વેશમાં પોલીસકર્મીઓને ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.
કમિશનરે કહ્યું કે ભક્તો સામાન્ય રીતે પૂજારીની વાતને સરળતાથી સ્વીકારી લે છે. એટલે આ સ્થળે પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં ફરજ બજાવશે. અહીં તૈનાત પોલીસ કર્મચારીઓ ભક્તોને માર્ગદર્શન પણ આપશે કે તેઓએ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ભીડ દરમિયાન ભક્તો મંદિરના ઝગમગાટમાં ખોવાઈ જાય છે અને બાબા વિશ્વનાથના દર્શન કરી શકતા નથી.
પોલીસ અધિકારીએ કહ્યું કે એવું નથી કે તમામ પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં હશે. કેટલાક પોલીસકર્મીઓ તેમના યુનિફોર્મમાં તૈનાત રહેશે અને મહિલા પોલીસકર્મીઓ મહિલાઓને દર્શન કર્યા પછી આગળ વધવાની અપીલ કરતી રહેશે. આ નવા પ્રયોગમાં કોઈ ટચ પોલિસી નહીં હોય કારણ કે સામાન્ય રીતે પોલીસકર્મીઓ VIP મૂવમેન્ટ દરમિયાન ભક્તોને દૂર હટાવી દે છે. જેનાથી તેમને દુઃખ થવા સાથે નકારાત્મક વિચારો કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે.






