'એક દેશ એક ચૂંટણી' પર પીએમ મોદીના 3 મંત્રીઓ વિપક્ષ સાથે કરશે વાતચીત; જાણો કોને જવાબદારી મળી?
મોદી કેબિનેટ 3.0એ 'વન નેશન વન ઇલેક્શન' પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે

મોદી કેબિનેટ 3.0એ 'વન નેશન વન ઇલેક્શન' પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવ માટેનું બિલ નવેમ્બરમાં તૈયાર થઈ જશે. જે બાદ તેને શિયાળુ સત્રમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. પરંતુ વિપક્ષે આ પ્રસ્તાવનો વિરોધ શરૂ કરી દીધો છે. જે બાદ સરકારે વિપક્ષને શાંત કરવા માટે પોતાના ત્રણ મંત્રીઓને વિપક્ષ સાથે વાત કરવાની જવાબદારી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ, અર્જુનરામ મેઘવાલ અને કિરણ રિજિજુને વિપક્ષ સાથે વાતચીત કરી સર્વસંમતિ સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જો આ ફોર્મ્યુલા અમલમાં આવશે તો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે બુધવારે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી હતી. અગાઉ એક દેશ, એક ચૂંટણીને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો. 15 પક્ષોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જ્યારે 32 પક્ષોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. 15 પક્ષો એવા હતા જેમણે જવાબ આપ્યો ન હતો.
પ્રસ્તાવ પસાર થયા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદને સંબોધી હતી અને તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં દેશના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થશે. 100 દિવસ પછી નગરપાલિકાની ચૂંટણી યોજાશે. કમિટીના સૂચનોની દેશભરના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે. આ વ્યવસ્થા લોકશાહીને મજબૂત કરશે. વારંવાર ચૂંટણીના કારણે થતા ખર્ચ પર અંકુશ આવશે.






