'પીએમ મોદીએ બિહાર બરબાદ કરવાની સોપારી લીધી છે?' સમ્રાટ ચૌધરીના અજીબોગરીબ નિવેદન પર તેજસ્વી યાદવના પ્રહાર

બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. દિલ્હી પ્રવાસ દરમિયાન બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા રાજ્યમાં ગુનાખોરી અંગે આપવામાં આવેલા એક અજીબોગરીબ નિવેદન બાદ વિપક્ષે તેમને ઘેરવાનું શરૂ કર્યું છે. સમ્રાટ ચૌધરીએ દાવો કર્યો હતો કે બિહારમાં હવે કોઈ અપરાધ રહ્યો નથી, માત્ર 'ક્રાઈમ' થઈ શકે છે પરંતુ અપરાધ કે અપરાધીઓનો કન્સેપ્ટ જ ખતમ થઈ ગયો છે. આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમ્રાટ ચૌધરી બંને પર આકરા પ્રહારો કર્યા છે.
સમ્રાટ ચૌધરીએ શું કહ્યું હતું?
દિલ્હી ખાતે એક સંબોધન દરમિયાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમારે ત્યાં કોઈ અપરાધ નથી. અપરાધનો કન્સેપ્ટ એટલે કે તેનો પાયો જ હવે ખતમ થઈ ગયો છે. 'ક્રાઈમ' (Crime) થઈ શકે છે પરંતુ અપરાધ નહીં, કોઈ અપરાધી નથી.”
તેજસ્વી યાદવે પીએમ મોદી અને સમ્રાટ ચૌધરી પર સાધ્યું નિશાન
આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરતાં આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે પીએમ મોદીની ભાષણ શૈલીની નકલ કરતાં તીખો કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, "મારા વ્હાલા દેશવાસીઓ, આ વાત ૭ હત્યાઓના આરોપી નમૂના—જેમને મોદીજી દ્વારા પસંદ કરાયેલા મુખ્યમંત્રી છે—તે કહી રહ્યા છે. મંચ પર બેઠેલા IAS અને IPS અધિકારીઓ આમની સાથે કામ કરીને પોતાને સન્માનિત અનુભવતા હશે કે અપમાનિત?"
વધુમાં તેમણે સવાલ ઉઠાવતા લખ્યું કે, "શું શ્રી નરેન્દ્ર મોદીજીએ આ માણસના હાથે બિહારને બરબાદ કરાવવાની સોપારી લઈ રાખી છે?"
કોંગ્રેસે પણ ઉડાવી મજાક
બિહાર કોંગ્રેસે પણ સમ્રાટ ચૌધરીના આ નિવેદનને શેર કરીને કટાક્ષ કર્યો હતો કે, “બિહારમાં ક્રાઈમ થઈ શકે છે અપરાધ નહીં - બિહારના માનનીય મુખ્યમંત્રી.” વિપક્ષે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજ્યમાં કથળતી કાયદો-વ્યવસ્થા છુપાવવા માટે શબ્દોની રમત રમી રહી છે.
ચિરાગ પાસવાને આપ્યું સંતુલિત નિવેદન
આ સમગ્ર વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી અને એલજેપી (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “તેઓ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છે, તેથી તેમની પાસે ગુનાખોરીના આંકડા ચોક્કસપણે હશે. પરંતુ એક બિહારી હોવાના નાતે હું ઈચ્છું છું કે બિહારમાંથી ક્રાઈમ, અપરાધ અને અપરાધીઓ તમામ સંપૂર્ણપણે નાબૂદ થાય અને બિહાર એક સુરક્ષિત રાજ્ય બને. જો રાજ્યમાં સુરક્ષાનો માહોલ રહેશે તો વધુ રોકાણકારો બિહાર આવશે.”














