મંત્રીપરિષદની બેઠકમાં યુવાનોની આ સમસ્યા પર વાત કરતા ભાવુક થયા PM મોદી, ભારે હૈયે આપ્યો મોટો આદેશ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રીપરિષદની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. મનીલામાં આયોજિત આસિયાન (ASEAN) શિખર સંમેલનમાંથી મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા બાદ વડાપ્રધાને સવારે 10:30 વાગ્યે આ બેઠક બોલાવી હતી. આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં દેશના યુવાનોમાં વધી રહેલી નશાની સમસ્યા, ગરીબી નાબૂદી, નક્સલવાદ અને નાણાકીય સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
નશાની સમસ્યાનો ઉલ્લેખ કરતા ભાવુક થયા PM મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દેશની યુવા પેઢીમાં વધી રહેલી નશાની લત પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે ભારે હૈયે કહ્યું કે, દેશના યુવાનોને કોઈપણ ભોગે નશાની ચુંગાલમાંથી બચાવવા પડશે. નક્સલવાદ સામે મળેલી સફળતાનું ઉદાહરણ આપતા તેમણે આહ્વાન કર્યું હતું કે, જો દેશમાંથી નક્સલવાદનો ખાત્મો બોલાવી શકાય છે, તો નશાની બદીને પણ જડમૂળથી ઉખેડી ફેંકી શકાય છે. આ સાથે જ તેમણે મંત્રીઓ અને અધિકારીઓને ચેતવણી આપી હતી કે નક્સલવાદ ફરીથી માથું ન ઉંચકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
'50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ફરી ગરીબ ન બને તે જોવું જરૂરી'
ગરીબી નાબૂદીના મુદ્દે વાત કરતા વડાપ્રધાન મોદીએ 2014માં સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા પોતાના પ્રથમ ભાષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે આજે દેશના 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ચૂક્યા છે, પરંતુ હવે સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે આ લોકો ફરીથી ગરીબીના વિષચક્રમાં ન ફસાય. આ માટે તેમણે લોકોમાં બચતની આદતને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ માત્ર 'ખાઓ-પીઓ અને મોજ કરો' વાળી નથી, પરંતુ બચત કરવી એ ભારતીયોના સ્વભાવનો મહત્વનો હિસ્સો રહ્યો છે.
મંત્રીપરિષદની બેઠકમાં રજૂ થયા 3 મોટા પ્રેઝન્ટેશન
આ બેઠકમાં સરકારની યોજનાઓ અને આગામી રણનીતિ અંગે ત્રણ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા:
-
ગરીબી નાબૂદી: વિશ્વ બેંકના અહેવાલનો સંદર્ભ આપીને 11 મંત્રાલયોના સચિવોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું, જેમાં પીએમ આવાસ, હર ઘર જલ, ઉજ્જવલા યોજના અને DBT દ્વારા 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાની વિગતો અપાઈ.
-
નક્સલ મુક્ત ભારત: નક્સલવાદ સામે લેવાયેલા કડક પગલાં અને આગામી સમયમાં દેશને સંપૂર્ણ નક્સલ મુક્ત બનાવવાની રણનીતિ પર ચર્ચા થઈ.
-
જનધન યોજના અને નાણાકીય સશક્તિકરણ: સામાન્ય નાગરિકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવા અને તેમના આર્થિક સશક્તિકરણ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ચિંતન બેઠકમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકોની પ્રગતિ અને વહીવટી સુધારાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.












