કુંડામાં 'કથા પોલિટિક્સ'! રાજા ભૈયાના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથામાં ભાજપના દિગ્ગજોનો જમાવડો, શું 2027 પહેલા NDA માં થશે એન્ટ્રી?

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે પ્રતાપગઢના કુંડા ખાતે આસ્થા અને રાજકારણનો મોટો સંગમ જોવા મળી રહ્યો છે. જનસત્તા દળના અધ્યક્ષ અને કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના નિવાસસ્થાને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ચાર દિવસીય શ્રીરામ કથા (17 થી 20 નવેમ્બર) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓની હાજરીથી ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ તેજ બની છે.
રામકથામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને સંતોનો જમાવડો
અહેવાલો અનુસાર, કુંડાના બેંતી સ્થિત કથા મંડપમમાં કથાના પ્રથમ દિવસે જ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને યોગી સરકારના મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝારખંડના ભાજપ સાંસદ નિશિકાંત દુબે, પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન, યુપી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ, કેબિનેટ મંત્રી મનોજ પાંડે, ધારાસભ્ય અભય સિંહ અને રાકેશ પ્રતાપ સિંહ સહિત અનેક MLC સામેલ થયા હતા. આ ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવ અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ સ્વામી રવિન્દ્ર પુરીએ પણ હાજરી આપી હતી. બાબા રામદેવે મંચ પરથી રાજા ભૈયાની પ્રશંસા કરતા તેમને 'સનાતનનું ગૌરવ' ગણાવ્યા હતા અને સનાતન એકતાનો સંદેશ આપ્યો હતો.
મંચ પરથી સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પર નિશાન
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન શ્રીકૃષ્ણ અંગેના એક નિવેદનને લઈને આ કથાના આયોજન પર સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં કથાના મંચ પરથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ અખિલેશ યાદવને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ માટે 'કાર સેવા'માં સાથે આવવાનું આહ્વાન કર્યું હતું. બીજી તરફ, પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાજા ભૈયાને પોતાના સુખ-દુઃખના સાથી ગણાવતા કહ્યું હતું કે, "રાજા ભૈયાનો દબદબો હતો, આજે પણ છે અને આગળ પણ રહેશે."
શું 2027ની ચૂંટણીમાં NDA સાથે જોડાશે રાજા ભૈયા?
રાજકીય વિશ્લેષકોના મતે, 2024ની લોકસભા ચૂંટણી બાદથી રાજા ભૈયા અને અખિલેશ યાદવ વચ્ચેનું અંતર વધ્યું છે. તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ પણ રાજા ભૈયા સાથે મુલાકાત કરી હતી. રાજા ભૈયાએ પણ અગાઉ ભાજપના 'બંટોગે તો કટોગે' જેવા નારાઓ અને હિન્દુત્વના મુદ્દાઓનું સમર્થન કર્યું છે.
જોકે, રાજા ભૈયાએ સ્પષ્ટ કર્યું છે કે આ કથાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી અને ચૂંટણી વર્ષ નજીક તેનું આયોજન થવું એ માત્ર સંયોગ છે. પરંતુ ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, 2027ની ચૂંટણીમાં રાજા ભૈયા સાથે ગઠબંધન અથવા બેઠકોના તાલમેલ અંગે વાતચીત ચાલી રહી છે, જેના હેઠળ ભાજપ પ્રતાપગઢની બે થી ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવાર ન ઉતારવા પર વિચાર કરી શકે છે.









