'જનતા મને ફરી CM બનાવવા માંગે છે', બિરેન સિંહના દાવાથી મણિપુર ભાજપમાં રાજકીય ચર્ચા તેજ

મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા એન બિરેન સિંહે જણાવ્યું છે કે, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારે લોકોનો ગુમાવેલો વિશ્વાસ પાછો મેળવવા તાત્કાલિક પગલાં ભરવા પડશે. આ સાથે જ તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર પોતાને હટાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવી દાવો કર્યો છે કે, જનતા તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ફેબ્રુઆરી 2025માં પોતાને હટાવ્યા બાદ પણ હિંસા ચાલુ રહેવા અંગે તેમણે વર્તમાન સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ CMએ ભાજપના જ નેતાઓ સામે ષડયંત્રનો આરોપ લગાવ્યો
પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે આરોપ લગાવતા કહ્યું કે, ‘2017થી મારી સાથે સારો વ્યવહાર થયો નથી. હું કેન્દ્રીય નેતૃત્વ પર નહીં પણ રાજ્યના એવા કેટલાક નેતાઓ પર આરોપ લગાવું છું જેમણે કોંગ્રેસ સાથે મળીને મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. કેટલાક ધારાસભ્યો એ વાત પચાવી શક્યા નહોતા કે હું કોંગ્રેસમાંથી આવ્યા પછી પણ બે વાર CM કેવી રીતે બન્યો. તેઓ ભાજપને પોતાની માલિકી સમજે છે અને તેથી જ ષડયંત્ર રચીને મારી પાસેથી રાજીનામું અપાવ્યું. અત્યારે વાય ખેમચંદ સિંહ સરકાર ચલાવી રહ્યા છે, જેઓ 2025 માં મને હટાવવાની માંગ કરનારા મુખ્ય નેતાઓમાં સામેલ હતા.’
હવે તો હું બહાર છું, તો પછી હિંસા કેમ ન અટકી: બિરેન સિંહ
રાજ્યની શાંતિ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવતા બિરેન સિંહે સવાલ કર્યો કે, ‘મને હટાવવાથી મણિપુરમાં શાંતિ લાવવામાં શું મદદ મળી? હવે તો હું બહાર છું, તો પછી હિંસા કેમ ન અટકી અને કેટલા નાગા ભાઈઓ માર્યા ગયા? પહેલા તેઓ કહેતા હતા કે હું બહુમતી સમુદાયનો પક્ષ લઉં છું, પરંતુ હવે આ લડાઈ ખ્રિસ્તી વિરુદ્ધ ખ્રિસ્તીની બની ગઈ છે, તો હવે યુરોપિયન યુનિયન ક્યાં જતું રહ્યું?’
યુરોપિયન સંસદની ભૂમિકા અંગે નારાજગી
યુરોપિયન સંસદની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરતા પૂર્વ સીએમે જણાવ્યું કે, ‘જુલાઈ 2023માં યુરોપિયન પાર્લામેન્ટે જાતીય હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ભારત સરકારને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા કરવા, હિંસા રોકવા તથા તપાસની અપીલ કરી હતી, જે વલણ તદ્દન પક્ષપાતી હતું.’
‘ભાજપ જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે’
સરકારની નબળી કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ‘મુખ્ય રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ પગલાં ન લેવાને કારણે ભાજપ જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે અને આ બેદરકારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. નશા વિરોધી અને અફીણની ખેતી નાબૂદી જેવા અભિયાનો હવે બંધ થઈ ગયા છે. સરકારે શંકાસ્પદ ઘૂસણખોરોની બાયોમેટ્રિક ઓળખ ચાલુ રાખવી જોઈએ. જો તમે ગેરકાયદે પ્રવાસીઓને દેશનિકાલ ન કરી શકો તો તેમને ઓછામાં ઓછા કેમ્પમાં રાખો. અમે જે કામ શરૂ કર્યું હતું તેને આગળ ધપાવીને રાજ્યનું ભવિષ્ય બચાવવું પડશે.’
‘મને મુખ્યમંત્રી બનાવવાની જનતાની માંગ’
હાઈકમાન્ડના હસ્તક્ષેપ અંગે આશા વ્યક્ત કરતા ભાજપ નેતા બિરેન સિંહે જણાવ્યું કે, ‘પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીએ હવે દરમિયાનગીરી કરવી જોઈએ અને બોર્ડર ફેન્સિંગ તથા બાયોમેટ્રિક ઓળખ જેવા કામો આગળ ધરીને જનતાને ભરોસો અપાવવો જોઈએ કે ભાજપ પાસે રાજ્યના ભવિષ્ય માટે ચોક્કસ આયોજન છે. હું મારી જાતે કોઈ દાવો ન કરી શકું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જનતાની જોરદાર માંગ છે અને લોકો મને ફરી મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. જોકે, આવા નિર્ણયો ચૂંટણીમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી જ લેવાતા હોય છે.’












