પાકિસ્તાનના મંત્રી બનશે દિલ્હીના મહેમાન, સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને 'હાથ કાપી નાખવાની' આપી હતી ધમકી

પાકિસ્તાનના મંત્રી બનશે દિલ્હીના મહેમાન, સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને 'હાથ કાપી નાખવાની' આપી હતી ધમકી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ભારત સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપીને વિવાદમાં રહેલા પાકિસ્તાનના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકની આગામી ભારત મુલાકાત અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. ભારત સરકારના સત્તાવાર આમંત્રણને પગલે તેઓ આગામી 20થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે ભારતની ધરતી પર પગ મૂકશે.

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને આપી હતી ખુલ્લી ધમકી

જાહેરાત

મુસાદિક મલિક અગાઉ સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ના મામલે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આ સંધિ રદ કરવાનો કડક નિર્ણય લીધો હતો, જેનાથી બોખલાયેલા મલિકે ધમકીભર્યા સૂરમાં નિવેદન આપ્યું હતું કે જો કોઈ પણ અમારા પાણીને હાથ લગાવશે, તો તેના હાથ કાપી નાખવામાં આવશે. આવા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે તેમનો ભારત પ્રવાસ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી રહ્યો છે.

2023માં બિલાવલ ભુટ્ટો બાદ પ્રથમ પાકિસ્તાની મંત્રીનો પ્રવાસ

મુસાદિક મલિક પહેલાં વર્ષ 2023માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત આવ્યા હતા. તે સમયે ભારતની અધ્યક્ષતામાં ગોવા ખાતે SCO ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં બિલાવલે ભાગ લીધો હતો. ત્યારબાદ આટલા લાંબા સમયગાળા પછી કોઈ પાકિસ્તાની મંત્રી ભારત આવી રહ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. ઉલ્લેખનીય છે કે પુલવામા અને પહેલગામ જેવા આતંકી હુમલાઓ બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે.

SCO સિવિલાઈઝેશન ડાયલોગ પ્રતિનિધિમંડળનું કરશે નેતૃત્વ

મુસાદિક મલિક દિલ્હીમાં યોજાનારા 'SCO સિવિલાઈઝેશન ડાયલોગ' (સંસ્કૃતિ સંવાદ) માટે આવી રહેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે ભારતે યજમાન તરીકે SCOના તમામ સભ્ય દેશોને આમંત્રણ પાઠવ્યું છે. આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાને નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેમની સરકાર SCOના માળખા હેઠળ પરસ્પર સન્માન સાથે સભ્યતાઓ વચ્ચે સંવાદ અને લોકો વચ્ચેના સંપર્ક વધારવા માટે પ્રતિબદ્ધ છે.

શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના અને સભ્યપદ

શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના વર્ષ 2021માં શાંઘાઈ ખાતે યોજાયેલા એક શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. રશિયા, ચીન, કિર્ગિઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓએ ભેગા મળીને આ સંગઠનનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં ભારત અને પાકિસ્તાનને આ જૂથનું કાયમી સભ્યપદ મળ્યું હતું, જ્યારે વર્ષ 2023માં ઈરાન પણ તેમાં કાયમી સભ્ય તરીકે જોડાયું હતું.

આતંકવાદ મુદ્દે ભારતનું આકરું અને સ્પષ્ટ વલણ

પાકિસ્તાની મંત્રીના આગમન વચ્ચે પણ ભારતે પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિ એકદમ સ્પષ્ટ રાખી છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જ્યાં સુધી સરહદ પારથી થતો આતંકવાદ સંપૂર્ણપણે ખતમ નહીં થાય, ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કે દ્વિપક્ષીય ડીલ શક્ય નથી. ભારત સતત વૈશ્વિક મંચો પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉઠાવવાના નિષ્ફળ પ્રયાસો કરતું રહે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત