‘હવે તે માત્ર મિત્ર છે...’ કેમ્બ્રિજમાં ગર્લફ્રેન્ડ સાથે ગયા હોવાનો કિસ્સો સંભળાવી રાહુલ ગાંધીએ આપ્યો રમૂજી જવાબ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની માતા સોનિયા ગાંધીના સંસ્મરણ પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love)ના વિમોચન પ્રસંગે પોતાના અંગત જીવન અને પરિવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને ભાવુક વાતો શેર કરી હતી. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજની તે રેસ્ટોરન્ટની મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો હતો, જ્યાં તેમના માતા-પિતા એટલે કે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વિદ્યાર્થી કાળ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. આ મુલાકાત વખતે રાહુલ ગાંધીની સાથે તેમની તે સમયની ગર્લફ્રેન્ડ પણ હતી, જેના વિશે તેમણે કાર્યક્રમમાં હળવા અંદાજમાં જણાવ્યું કે 'તે હવે માત્ર એક મિત્ર છે.'
કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં માતા-પિતાની યાદો તાજી કરી
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'મારા માતા-પિતાની પહેલી મુલાકાત કેમ્બ્રિજની 'વર્સિટી રેસ્ટોરન્ટ'માં થઈ હોવાની વાતો ખૂબ પ્રચલિત હતી. વર્ષો પછી જ્યારે હું પોતે કેમ્બ્રિજમાં હતો, ત્યારે મેં મારી ગર્લફ્રેન્ડને કહ્યું કે ચાલો તે રેસ્ટોરન્ટ જોવા જઈએ જ્યાં મારા માતા-પિતા મળ્યા હતા. રેસ્ટોરન્ટમાં બેસીને મેનુ જોતી વખતે મેં ત્યાંના સ્ટાફને કહ્યું કે મારા માતા-પિતા અહીં મળ્યા હતા. આ સાંભળીને સ્ટાફના સભ્યએ દાયકાઓ જૂની યાદ તાજી કરતા તરત જ મને ઓળખી લીધો અને કહ્યું કે હા, હું બરાબર જાણું છું કે તમે કોની વાત કરી રહ્યા છો.' આ કિસ્સા બાદ જ્યારે રાહુલ ગાંધીને તેમની ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે 'તે હવે માત્ર એક મિત્ર છે.'
સોનિયા ગાંધીએ ચાર વખત કેન્સરને આપી છે માત
આ પ્રસંગે રાહુલ ગાંધીએ પોતાની માતાની હિંમત અને સંઘર્ષને યાદ કરતા એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મમ્મીએ પોતાના પુસ્તકમાં બીમારીનો બહુ ઓછો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હકીકત એ છે કે તેઓ એક કે બે વાર નહીં, પરંતુ ચાર વખત કેન્સરને હરાવી ચૂક્યા છે.' રાહુલ ગાંધીએ ભાવુક થતા કહ્યું કે, 'મેં મારા જીવનમાં તેમને ક્યારેય ડરતા કે પીછેહઠ કરતા જોયા નથી. પિતા રાજીવ ગાંધી તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને આજે જો તેઓ હોત, તો તેમને મમ્મી પર કેટલો ગર્વ થતો તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.' આ કાર્યક્રમમાં તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા હતા.
સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીએ બદલવી પડી હતી ઓળખ
કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ પણ 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદના કપરા સમયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'પિતાના નિધનના થોડા મહિના બાદ રાહુલને અભ્યાસ માટે વિદેશ જવું પડ્યું હતું. તે સમયે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સુરક્ષા રાખવાની મંજૂરી નહોતી કારણ કે તેનાથી અન્ય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા. આથી ભારતીય અને અમેરિકન સુરક્ષા એજન્સીઓએ મળીને રાહુલને અન્ય એક અમેરિકન કોલેજમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમને પોતાની સાચી ઓળખ છુપાવીને બીજા નામથી રહેવું પડ્યું હતું.'
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'કોઈને પોતાનું સાચું નામ કે પરિવાર વિશે વાત ન કરી શકવી તે રાહુલ માટે મિત્રો બનાવવા અને વાતચીત કરવા માટે અત્યંત મુશ્કેલ સમય રહ્યો હશે.'












