માર્ગ અકસ્માતના વધતા કેસને લઇને નીતિન ગડકરીએ વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું?
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હિટ એન્ડ રનના વધતા જતા કિસ્સાઓ વિશે વાત કરતા કહ્યું છે કે આવા બા

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હિટ એન્ડ રનના વધતા જતા કિસ્સાઓ વિશે વાત કરતા કહ્યું છે કે આવા બાળકોને વાહન ચલાવવાની મંજૂરી આપનારા માતા-પિતાને ખુલ્લા પાડવાની જરૂર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમો તોડવા માટે દંડમાં ભારે વધારો થયો હોવા છતાં લોકો નિયમો તોડી રહ્યાં છે. લોકો નિયમોની અવગણના કરે છે અને નિયમો તોડવાનો ડર જ નથી.
FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ એન્ડ કોન્ક્લેવ 2024ની છઠ્ઠી સિઝનમાં બોલતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે એન્જિનિયરોને નેશનલ હાઈવેની મધ્યમાં ડિવાઈડરની નવી ડિઝાઈન તૈયાર કરવા કહ્યું છે જેને કોઈ ઓળંગી ન શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આવા લોકોને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. ડિવાઈડર પાર કરતા લોકો પર કટાક્ષ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે દેશના કેટલાક લોકો પોતાને ખાસ માને છે અને રોડ ક્રોસ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટઓવર બ્રિજ બનાવવાનું પણ નક્કી કર્યું છે જેથી ટુ-વ્હીલર્સ તેનો ઉપયોગ કરી શકે.
દર વર્ષે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના જીવ જાય છે. આંકડા મુજબ, દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ 1.5 લાખ મૃત્યુ થાય છે. આ અંગે વાત કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ કે સાંપ્રદાયિક રમખાણો અને અન્ય અકસ્માતો કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે.






