'અજિત પવારને ટાર્ગેટ કર્યા તો પરિણામ ભોગવવું પડશે', ભાજપ પર ભડક્યું NCP
લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં ભાજપ સહિત NDAને મહારાષ્ટ્રમાં ઝટકો લાગ્યો છે. ભાજપ અને સંઘના કેટલાક લોકોએ અજિત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં ભાજપ સહિત NDAને મહારાષ્ટ્રમાં ઝટકો લાગ્યો છે. ભાજપ અને સંઘના કેટલાક લોકોએ અજિત પવારની NCP સાથે ગઠબંધનને જવાબદાર ઠેરવી હતી. હવે NCPએ પણ આ વાતને લઇને પલટવાર કર્યો છે. આ સાથે જ NCPએ ચેતવણી આપી છે કે જો અમને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તો પછી અમે ગઠબંધન પર અલગ સ્ટેન્ડ લઇ શકીએ છીએ.
NCP નેતા અમોલ મિતકારીએ કહ્યું, 'અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્ય હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યાં છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો આ રીતે સતત અજિત પવારને ટાર્ગેટ કરવામાં આવે છે તો પછી અમારે અલગ સ્ટેન્ડ લેવા પર વિચાર કરવો પડી શકે છે.'
ભાજપના ધારાસભ્યોએ પરિણામોની સમીક્ષા માટે બોલાવેલી મીટિંગમાં અજિત પવાર જૂથ સાથે ગઠબંધનને ખરાબ પરિણામ માટે જવાબદાર ગણાવ્યા હતા. આ વાતને લઇને NCP નેતા ભડકેલા છે. NCPના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપને જ નિશાના પર લીધી છે. એક નેતાએ કહ્યું કે, સંઘ સાથે શું થયું, આ તેમનો પોતાનો મુદ્દો છે. અજિત પવારને કારણે ભાજપને કોઇ નુકસાન થયું નથી. એવું બની શકે કે ભાજપ વિરૂદ્ધ લોકોના ગુસ્સાએ અમને નુકસાન પહોચાડ્યું હોય. ભાજપના નેતા સતત 400 પાર અને બંધારણ બદલવાની વાતો કરતા હતા, તેને કારણે નુકસાન થયું છે.
NCP નેતાએ કહ્યું કે અજિત પવારની ઓબીસી સમાજ વચ્ચે સારી પકડ છે. એવામાં NCPએ પ્રયાસ કર્યો હતો કે ડેમેજ કંટ્રોલ કરવામાં આવે પરંતુ ભાજપના કેટલાક નેતા એવા છે જે મનમાં આવે તેમ બોલતા હતા. આવા નેતાઓને કારણે પણ નુકસાન થયું છે. NCPએ કહ્યું કે અમે નહીં પણ એકનાથ શિંદેની શિવસેના પણ માનમે છે કે ભાજપના નેતાઓને કારણે અને 400 પારના નારાને કારણે આવા પરિણામ આવ્યા છે.
RSSની પત્રિકામાં લેખ છપાતા વિવાદ વકર્યો
મહત્ત્વપૂર્ણ છે કે આ મુદ્દો RSS સાથે જોડાયેલી ઓર્ગેનાઇઝર પત્રિકામાં છપાયેલા એક લેખને કારણે વકર્યો છે. રતન શારદા તરફથી લખવામાં આવેલા આર્ટિકલમાં મહારાષ્ટ્રમાં NCP સાથે ગઠબંધનને હારનું કારણ ગણવામાં આવ્યું હતું. તે બાદ ભાજપની સમીક્ષા બેઠકમાં ધારાસભ્યો તરફથી પણ આવા વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, અત્યાર સુધી મહારાષ્ટ્ર ભાજપના કોઇ સીનિયર નેતા કે પછી કેન્દ્રમાં કોઇ નેતાએ આ મામલે કઇ કહ્યું નથી.








