નાગપુર હિંસાના માસ્ટર માઈન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ, નીતિન ગડકરી વિરુદ્ધ લડી હતી ચૂંટણી
Nagpur Violence: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસા પાછળના મુખ્ય સૂત્રધાર મનાતા ફહીમ શમીમ ખાનની પોલીસ

Nagpur Violence: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસા પાછળના મુખ્ય સૂત્રધાર મનાતા ફહીમ શમીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. તે 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં છે. ફહીમ ખાન માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)નો શહેર પ્રમુખ છે. તેણે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ લડી છે. બંને ચૂંટણીઓમાં તેની ડિપોઝીટ ડૂલ થઈ હતી.
પોલીસ ફરિયાદ નોંધાવી લોકોને ભડકાવ્યા
પોલીસ એફઆઈઆરમાં ફહીમનું નામ આરોપીઓની યાદીમાં અન્ય લોકોના નામ સાથે ઉલ્લેખિત છે. એવો આરોપ છે કે તેણે શરૂઆતમાં પોલીસ સ્ટેશન પહોંચીને બજરંગ દળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને લોકોને ભડકાવ્યા હતા. નાગપુર પોલીસે દાવો કર્યો હતો કે, 38 વર્ષીય ફહીમ શમીમ ખાનના ભાષણ બાદ જ નાગપુરમાં હિંસા ભડકી હતી. તેમણે સમુદાયને ઉશ્કેરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. ફહીમ ખાન માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર અધ્યક્ષ છે.
હિંસા બાબતે તપાસ ચાલી રહી છે
નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે ફહીમ ખાન વિશે જણાવ્યું હતું કે, હિંસામાં કેટલાક લોકોની ભૂમિકા છે કે પછી તેમણે જ લોકોને ઉશ્કેર્યા તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કેસમાં કોઈ એક વ્યક્તિ કે સંગઠન સામેલ હતું કે નહીં. અમે બધી બાબતોની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું કે, “એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા બધા આરોપીઓ નાગપુરના છે. અમારા ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો બહારથી આવ્યા હતા.
ફહીમ ખાન હિંસાના મુખ્ય આરોપી
ફહીમ ખાને 2024માં નાગપુર લોકસભા બેઠક પરથી પરિવહન મંત્રી નીતિન ગડકરી વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. તે આ હિંસાના મુખ્ય આરોપી હોવાની એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ઔરંગઝેબની કબર પર મુદ્દે સર્જાયેલા વિવાદના કારણે નાગપુરમાં આક્રમક હિંસા થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુરના મહાલ અને હંસપુરી સહિત વિવિધ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે મારામારી, તોડફોડની ઘટના બની હતી, ડીજીપી સહિત ઘણા પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો થયો હતો.
50 લોકોની ધરપકડ
પોલીસે નાગપુર હિંસા મામલે 50 લોકોની ધરપકડ કરી છે. 100થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. જે હિંસામાં સામેલ આરોપીઓની શોધ કરી રહી છે. દાવો થઈ રહ્યો છે કે, અભિનેતા વિકી કૌશલની છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ ભભૂક્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાશક ગણાવ્યા હતા. બીજી તરફ વિહિપ અને બજરંગદળ દ્વારા ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ પર થઈ રહેલા દેખાવો પર અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી.








