'ઢાબા-રેસ્ટોરન્ટ માલિકનું નામ દર્શાવવું ફરજિયાત', હોટલ મુદ્દે યોગી સરકારનો નવો આદેશ
ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સ

ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ જારી કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ મુદ્દે મહત્ત્વની બેઠકમાં યોગી સરકારે આ નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી ઘૃણાજનક છે. આ બધું ચલાવી લેવાશે નહીં. હવે આવા ઢાબા/રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનોની સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ જગ્યાએ કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન પણ થશે.
યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરે બોલાવેલી મીટિંગમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા અને માનક કાયદામાં જરૂરી સુધારા કરવા સૂચના આપી છે. જે મુજબ ફૂડ સેન્ટરો પર સંચાલક- માલિક, મેનેજર વગેરેનું નામ અને સરનામું દર્શાવવાનું ફરજિયાત રહેશે. હોટલ- ઢાબા- રેસ્ટોરન્ટાં રસોઈયા તેમજ વેઈટર બધાએ ફરજિયાત માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડશે. આ ઉપરાંત હોટલ/રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવા પણ ફરજિયાત રહેશે.
યોગી સરકારે આપેલા નિર્દેશ મુજબ જો ખાદ્યપદાર્થમાં અશિષ્ટ ભેળસેળ જોવા મળશે તો સંચાલક/માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂચનાઓનું પાલન થાય તેની ખાતરી કરવા માટે જવાબદારોને સૂચના આપવામાં આવશે.
તેમણે કહ્યું કે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારે ખિલવાડ નહીં થઈ શકે. આવા પ્રયાસો કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ખાદ્યપદાર્થ બનાવનાર, વેચનાર અથવા અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ સંબંધિત નિયમો વ્યવહારિકતાને ધ્યાનમાં રાખીને વધુ કડક બનાવવા જોઈએ. નિયમોના ભંગ પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.






