છત્તીસગઢ: પત્રકાર હત્યાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો, આ રીતે પોલીસ ગુનેગાર સુધી પહોંચી
પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના મુખ્ય આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવે

પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના મુખ્ય આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે હત્યાનો માસ્ટરમાઇન્ડ ઠેકેદાર સુરેશ ચંદ્રાકર છે. ઘટના સામે આવ્યા બાદથી જ તે ફરાર હતો. પોલીસ અનુસાર, સુરેશ હૈદરાબાદમાં પોતાના ડ્રાઇવરના ઘરે સંતાયેલો હતો. આરોપીને પકડવા માટે પોલીસે 2000થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને 300 મોબાઇલ નંબરની તપાસ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ સુરેશ ચંદ્રાકરની પૂછપરછ કરી રહી છે. ચંદ્રાકરની પત્નીની પણ છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી અટકાયત કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગત અઠવાડિયે છત્તીસગઢના બસ્તરમાં એક ઠેકેદારના શેડમાં સેપ્ટિક ટેન્કમાં પત્રકાર ચંદ્રાકરનો શબ મળ્યો હતો.
પત્રકાર મુકેશ ચંદ્રાકર પ્રાઇવેટ ચેનલ માટે પણ યોગદાન આપનારો રિપોર્ટર હતો. પત્રકારને અંતિમ વખત નવા વર્ષના દિવસે બીજાપુરના પુજારી પારામાં પોતાના ઘરેથી નીકળતા જોવામાં આવ્યો હતો. જ્યારે તે પરત ના ફર્યો ત્યારે પત્રકારના ભાઇ યુકેશે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
તપાસ શરૂ કર્યા બાદ પોલીસને 32 વર્ષના ચંદ્રાકરનો શબ છતન પારા બસ્તીમાં મળ્યો હતો જે તેના ઘરની નજીક જ હતી. આ ઘટનામાં ચંદ્રાકરના બે સંબંધી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચંદ્રાકરના કઝિન ભાઇ રિતેશ ચંદ્રાકરની શનિવારે રાયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સુપરવાઇઝર મહેન્દ્ર રામટેકે અને પીડિતના એક અન્ય સંબંધી દિનેશ ચંદ્રાકરની બીજાપુરથી અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરતના ડુમસની જમીન કૌભાંડમાં નવા ખૂલતા રહસ્ય, એક જ લેટર કલેક્ટર, જિલ્લા પંચાયત અને સુડામાં રજૂ કરાયો
પત્રકાર મુકેશ ચંદ્રાકરે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જ થઇ હત્યા
મુકેશે તાજેતરમાં બસ્તર ક્ષેત્રના ગંગાલુરથી હિરોલી સુધીના રૂ. 120 કરોડના રોડ નિર્માણ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. મુકેશ ચંદ્રાકર તેના તપાસ અહેવાલો માટે જાણીતા હતા. આ પ્રોજેક્ટનું પ્રારંભિક ટેન્ડર 50 કરોડ રૂપિયા હતું, પરંતુ બાદમાં તેને વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનું કામ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકર પાસે હતું. મુકેશના ખુલાસા પછી, રાજ્ય સરકારે તપાસ શરૂ કરી, જેણે વિસ્તારની કોન્ટ્રાક્ટર લોબીમાં હલચલ મચાવી દીધી.








