અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રૂજી

દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત ભારતના ઘણા ભાગોમાં શનિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીથી 191 કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળ્યું છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે, જ્યાં સ્થાનિક લોકોએ પણ ભારે ધ્રુજારી અનુભવી હતી. જેને પગલે છેક કાશ્મીર સુધી આંચકા અનુભવાયા હતા.
ચંદીગઢ, પંજાબ અને હરિયાણા પણ ધ્રૂજ્યા
કાશ્મીર ઉપરાંત ચંદીગઢમાં પણ શનિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા તીવ્ર હતા કે ભયના માર્યા અનેક વિસ્તારોના રહીશો સાવચેતીના ભાગરૂપે પોતપોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. ચંદીગઢ ઉપરાંત પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી.

