Loksabha Election 2024: બીજા તબક્કાના ઉમેદવારોની કર્મ કુંડળી; 167 સામે ગંભીર ગુનાના કેસ, 390 કરોડપતિ
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયું છે, હવે બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. જોક

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયું છે, હવે બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. જોકે બીજા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમાં દર સાતમાંથી એક ઉમેદવારની સામે ગંભીર ગુનાના કેસો છે. જ્યારે દર ત્રણમાંથી એક ઉમેદવાર કરોડપતિ છે. આ માહિતી ચૂંટણીઓ પર કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (ADR)ના રિપોર્ટમાં સામે આવી છે. બીજા તબક્કાના 1198માંથી 1192 ઉમેદવારો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો.
26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોમાં દર સાતમાંથી એક સામે ગંભીર ગુનાના કેસ ચાલી રહ્યાં છે. ADRના જણાવ્યા મુજબ 167 ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે. જેમાં ત્રણ ઉમેદવારો સામે હત્યા, 24 સામે હત્યાનો પ્રયાસ, 25 ઉમેદવારો સામે મહિલાઓ સામેના અપરાધ અને 21 સામે ઉશ્કેરણીજનક ભાષણનો કેસ ચાલી રહ્યો છે. 32 ઉમેદવારોને તેમની સામે દાખલ ગુનામાં ગુનેગારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે તેવા ઉમેદવારોની પક્ષો સામે સ્થિતિ પર નજર કરીએ તો ભાજપના 21, કોંગ્રેસના 22, સીપીઆઇ (એમ)ના 7, સપાના બે અને JDUના એક, શિવસેના (યુબીટી)ના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં આવનારા 45 મતવિસ્તારોને રેડ એલર્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ત્રણથી ચાર ઉમેદવાર સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે.
બીજા તબક્કામાં 390 કરોડપતિ ઉમેદવાર
ADRના રિપોર્ટ અનુસાર બીજા તબક્કામાં 390 જેટલા કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં 64 કરોડપતિ ઉમેદવારો સાથે ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસના પણ 62 કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે. અન્ય પક્ષ પર નજર કરીએ તો સીપીઆઇ (એમ)ના 12, JDUના 5, શિવસેના (યુબીટી)ના 4, સમાજવાદી પાર્ટી (સપા)ના 4 અને ટીએમસીના પણ ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ એક ઉમેદવાર દીઠ 5.17 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 39.70 કરોડ અને ભાજપના ઉમેદવારોની 24.68 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના માંડ્યાના ઉમેદવાર સ્ટાર ચંદ્રૂ પાસે સૌથી વધુ 622.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બેંગલુરૂ ગ્રામીણના ઉમેદવાર ડી.કે.સુરેશ પાસે 593.05 કરોડ રૂપિયાની જ્યારે ભાજપના મથુરાના ઉમેદવાર અને અભિનેત્રી હેમા માલિની પાસે 278.93 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના નાંદેડના એક અપક્ષ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા હોવાનું તેમણે જાહેર કર્યું છે. જ્યારે સૌથી ઓછી રકમવાળા બીજા ઉમેદવાર તરીકે કાસરગોડના રાજેશ્વરી પાસે માત્ર 1000 રૂપિયા અને અમરાવતીના ઉમેદવાર એડવોકેટ પૃથ્વી સમ્રાટ પાસે પણ માત્ર 1400 રૂપિયા હોવાનું તેઓએ જાહેર કર્યું છે.








