હદ થઈ ગઈ! ભાજપ અને RLPના ઉમેદવારોની ફજેતી, આખા વોર્ડમાંથી મળ્યો માત્ર 1-1 વોટ; ચૂંટણી પરિણામ જોઈને ચોંકી જશો!

રાજસ્થાનના ડીડવાના-કુચામન જિલ્લાની પરબતસર નગરપાલિકા ચૂંટણીનું એક ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. અહીં વોર્ડ નંબર 13 માંથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્રને ચૂંટણીમાં માત્ર 1 વોટ મળ્યો છે. એટલું જ નહીં, વોર્ડ નંબર 20 માંથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) ના ઉમેદવાર ભંવરલાલ પણ માત્ર 1 વોટ મેળવી શક્યા હતા. આ પરિણામો જાહેર થતાં જ સ્થાનિક રાજકારણ અને સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભાજપ ઉમેદવારને માત્ર 1 વોટ
પરિણામો પછી સૌથી વધુ ચર્ચા ભાજપ ઉમેદવાર કૈલાશ ચંદ્રના 1 વોટને લઈને થઈ રહી છે. કૈલાશ ચંદ્ર વાસ્તવમાં વોર્ડ નંબર 12 ના મતદાર છે, પરંતુ ભાજપે તેમને વોર્ડ નંબર 13 માંથી ટિકિટ આપી હતી. કૈલાશ ચંદ્ર અને તેમનો પરિવાર બંને વોર્ડ નંબર 12 ના મતદાર હોવાથી તેઓ પોતે પણ ચૂંટણીમાં પોતાના માટે વોટ આપી શક્યા નહોતા.
ભાજપને કોંગ્રેસની જીતની ખબર જ હતી !
સ્થાનિક સ્તરે ચર્ચા મુજબ આ વોર્ડમાં ભાજપને યોગ્ય ઉમેદવાર મળતો નહોતો અને કોંગ્રેસને બિનહરીફ જીતતી રોકવા માટે પક્ષે કૈલાશ ચંદ્રને ફોર્મ ભરવા જણાવ્યું હતું.
RLP ઉમેદવારને પણ મળ્યો માત્ર 1 મત
વોર્ડ નંબર 20માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યાં RLP ના ઉમેદવાર ભંવરલાલના ખાતામાં માત્ર 1 વોટ આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષ તેમજ RLP ના ઉમેદવારો માત્ર 1-1 વોટ સુધી સીમિત રહેતાં પાર્ટી સંગઠન અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર અનેક સવાલો ઊભા થયા છે.

