VIDEO:કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ચોમાસાના આગમન સાથે જ પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. ખાસ કરીને પાર્ક સર્કસ રોડ અને જાદવપુર જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વાહનોની ગતિ ધીમી પડી છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પાણીનો નિકાલ કરવા માટે શહેરભરમાં પમ્પિંગ સ્ટેશન અને સક્શન મશીનોને કાર્યરત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી શહેર અને દક્ષિણ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. નાગરિકોને મુસાફરી દરમિયાન સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

