ગળા પર ચાકુ, જાનથી મારી નાખવાની ધમકી અને 3 કરોડની લૂંટ: નાગપુરમાં મોડી રાત્રે ફાઇનાન્સ બિઝનેસમેન પર હુમલો

મહારાષ્ટ્રના નાગપુર શહેરના શાંતિનગર વિસ્તારમાં મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અજાણ્યા લૂંટારુઓએ ફાઇનાન્સ વ્યવસાયી સુરેશ પરમારના ગળા પર ચાકુ મૂકીને તેમની કારમાંથી 3 કરોડ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના મંગળવારે રાત્રે આશરે 1 વાગ્યે બની હતી. ફાઇનાન્સ વ્યવસાયી સુરેશ પરમાર પોતાના ધંધાની રોકડ રકમ લઈને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શાંતિનગર વિસ્તારમાં હથિયારોથી સજ્જ 5થી 6 શખ્સોએ તેમની કારને આંતરીને રોકી હતી. લૂંટારુઓએ પરમારના ગળા પર ચાકુ રાખી દીધું હતું અને જો કોઈ વિરોધ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આતંક અને અફરાતફરીના માહોલનો ફાયદો ઉઠાવીને આરોપીઓ કારમાં રાખેલા 3 કરોડ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા.
લૂંટ બાદ કાર રસ્તા પર છોડીને ભાગ્યા આરોપીઓ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લૂંટારુઓએ આ ગુનાને અંજામ આપવા માટે સંભવતઃ ચોરીની કારનો ઉપયોગ કર્યો હતો. લૂંટ ચલાવ્યા બાદ તેઓ નાગપુર-વર્ધા રોડ પર ખાપરી શિવરા પાસે તે કાર બિનવારસી હાલતમાં છોડીને અન્ય કોઈ વાહનમાં બેસીને નાસી છૂટ્યા હતા. પોલીસે આ કાર જપ્ત કરી લીધી છે, જે તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. ફોરેન્સિક ટીમ કારમાંથી ફિંગરપ્રિન્ટ અને અન્ય ટેકનિકલ પુરાવા એકત્ર કરી રહી છે.
પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ
શાંતિનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ રૂટના CCTV ફૂટેજ તપાસી રહી છે અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત, લૂંટારુઓને આટલી મોટી રોકડ રકમ લઈ જવાતી હોવાની અગાઉથી જાણ હતી કે કેમ અને આ કોઈ જાણભેદુનું કામ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.













