LGBTQ ઈન્ફ્લુએન્સર 'મેડ સંધુ' પર અંધાધૂંધ ફાયરિંગ, ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને લીધી જવાબદારી!

શનિવારે અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ અને મેકઅપ આર્ટિસ્ટ એમજી સંધુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને હુમલાખોરો તથા તેના હેતુને પકડવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલોમાં તેના નિધનનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
વ્યક્તિત્વ અને ઓળખ
સંધુ તેની બિન્દાસ શૈલી અને બેધડક અભિવ્યક્તિ માટે જાણીતો હતો. LGBTQ સમુદાયના આ ઇન્ફ્લુએન્સરે પોતાની ઓળખ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર અવારનવાર હોમોફોબિક ટ્રોલિંગનો સામનો કરવો પડતો હતો. આ વિરોધ છતાં તે સક્રિય રહ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર 2.26 લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. આ ઉપરાંત, તેણે પંજાબી ફિલ્મ 'ઓયે ભોલે ઓયે'માં પણ અભિનય કર્યો હતો. તે પોડકાસ્ટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મેકઅપ આર્ટિસ્ટ્રી, સેલ્ફ-એક્સપ્રેશન અને જેન્ડર સંબંધિત મુદ્દાઓ પર અવારનવાર ચર્ચા કરતો હતો.
ઘટના અને પોલીસ તપાસ
ગોળીબારની આ ઘટના બાદ સંધુ રસ્તા પર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં તે લોહીથી લથપથ જોવા મળ્યો હતો અને આસપાસ લોકોની ભીડ જમા થયેલી નજરે પડી હતી. માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને ઘટનાક્રમની સાચી કડી મેળવવા તથા આરોપીઓની ઓળખ કરવા માટે સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે.
ગોલ્ડી ધિલ્લોન અને જગ્ગા તરણતરણનું નામ સામે આવ્યું
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઈ છે, જેમાં ગોલ્ડી ધિલ્લોન અને જગ્ગા તરણતરણ નામના શખ્સો દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ દાવાની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુખ્યાત ગોલ્ડી બ્રારનો ખાસ સાથી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન હાલમાં ફરાર છે અને તે જર્મનીમાં કેટલાક મહિના વિતાવ્યા બાદ યુકેમાં છુપાયેલો હોવાનું મનાય છે. પોલીસ અગાઉ પંજાબ, ચંદીગઢ અને કેનેડામાં ધમકીઓ આપવાના, ખંડણી વસૂલવાના તેમજ ટાર્ગેટેડ કિલિંગના અનેક ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું માને છે.

