મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સૌર વાવાઝોડું પૃથ્વી પર પહોંચ્યું, રાત્રે આકાશ બન્યું રંગબેરંગી; જાણો શું છે અરોરા

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાતા શક્તિશાળી સૌર વાવાઝોડાને કારણે લેહના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો

સૌર વાવાઝોડું પૃથ્વી પર પહોંચ્યું, રાત્રે આકાશ બન્યું રંગબેરંગી; જાણો શું છે અરોરા

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાતા શક્તિશાળી સૌર વાવાઝોડાને કારણે લેહના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અરોરાને કારણે આકાશ ઝળહળી ઊઠ્યું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 10 ઓક્ટોબરે, કોરોનલ માસ ઇજેક્શન 24 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર પહોંચ્યું હતું. લેહની જેમ અરોરા અમેરિકાના અલાબામા અને ન્યુ મેક્સિકોમાં પણ જોવા મળી હતી.

લેહ સ્થિત દેશની સૌથી ઊંચી વેધશાળા હેનલેથી આ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં, જ્યારે સૂર્ય પર કોરોનલ માસ ઇજેક્શનને કારણે ઉર્જા પૃથ્વીના વાતાવરણમાં હાજર નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે અથડાય છે, ત્યારે તેનો રંગ વાદળી, લીલો અને લાલ થઈ જાય છે. લાલ અરોરા લેહમાં જોવામાં આવી હતી અને તેને ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ટેલિસ્કોપ દ્વારા કેદ કરવામાં આવી હતી.

આ ઘટના 9 ઓક્ટોબરે સૂર્ય પર આવેલા જીઓમેગ્નેટિક વાવાઝોડાને કારણે બની હતી. આ તોફાન 15 લાખ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર પહોંચ્યું હતું. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, તે જી-4 વાવાઝોડું હતું જે ક્યારેક પાવર ગ્રીડને નિષ્ફળ બનાવવાનું કારણ બને છે. આ ઉપરાંત સેટેલાઇટ કામગીરી પણ ખોરવાય છે. સૂર્ય પર આવી પ્રવૃત્તિઓ 11 વર્ષના અંતરાલમાં તીવ્ર બને છે. 2025માં મોટા સૌર વાવાઝોડાની સંભાવના છે, જેની અસર 2026 સુધી જોવા મળશે.

અરોરાને નેચરલ લાઈટ શો કહી શકાય. સામાન્ય રીતે તે ધ્રુવીય વિસ્તારોમાં દેખાય છે. જ્યારે સૂર્યમાંથી નીકળતા કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે, ત્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાતાવરણીય વાયુઓ ચમકે છે. આ નજારો જોવામાં અદ્ભુત છે, પરંતુ આવા સૌર વાવાઝોડાને કારણે પાવર ગ્રીડ ફેલ થઈ શકે છે. આ સિવાય તેઓ અવકાશ યાત્રામાં પણ અવરોધો ઉભી કરી શકે છે.

આ સમાચાર શેર કરો