VIDEO: અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વ સાથે મળીને ઇતિહાસ રચવા તૈયાર, સ્પેસ એક્સપોમાં IN-SPACe ચીફનું મોટું નિવેદન
બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘બેંગલુરુ સ્પેસ એક્સપો 2026’માં ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરના ચેરમેન ડૉ. પવન કુમાર ગોયેન્કાએ ભારતની વૈશ્વિક સ્પેસ ભાગીદારી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી વિઝન રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવા માંગતા તમામ દેશો સાથે દીર્ઘકાલીન અને મજબૂત ભાગીદાર તરીકે ઊભા રહેવા સંપૂર્ણ સક્ષમ અને પ્રતિબદ્ધ છે.
"મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાનો અનુભવ અમારી તાકાત"
ડૉ. પવન ગોયેન્કાએ જણાવ્યું કે, “આફ્રિકા, ગલ્ફ દેશો, આપણા પડોશી દેશો અને સમગ્ર વિશ્વમાં જે પણ રાષ્ટ્રો અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, ભારત તેમને પોતાની ભાગ્યરેખા અને અનુભવોના આધારે ખાસ સહકાર આપવા તૈયાર છે. અમે અંત-સુધી સાથ આપનારા પ્રતિબદ્ધ ભાગીદાર છીએ. મુશ્કેલ પરિસ્થિતિઓમાં અને અનેક પડકારો વચ્ચે પણ સ્પેસ પ્રોગ્રામ કેવી રીતે ઊભો કરવો, તેનો અમને પ્રત્યક્ષ અનુભવ છે.”
તેમણે ઉમેર્યું કે ભારતને પણ ભૂતકાળમાં એવા સહયોગીઓ મળ્યા હતા જેમણે સમાનતાના ધોરણે મદદ કરી હતી. હવે ભારત પણ એ જ ભાવના સાથે દરેક એવા દેશનો હાથ પકડવા માગે છે જે અંતરિક્ષમાં પોતાનું નામ બનાવવા માંગે છે.
માત્ર ચર્ચાઓ નહીં, હવે સીધા જોઇન્ટ મિશન શરૂ કરવાનો સમય
IN-SPACe પ્રમુખે વૈશ્વિક ભાગીદારીને કાગળ પરથી વાસ્તવિકતામાં ફેરવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, “હવે માત્ર એમઓયુ (MoU) અને ચર્ચાઓમાં સમય વિતાવવાનો નથી, પરંતુ સંયુક્ત મિશન અને શેર્ડ પ્રોગ્રામ્સ તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે. ભારત વિશ્વથી અલગ થઈને નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સાથે મળીને વિકાસ કરવા માંગે છે.”
બેંગલુરુ સ્પેસ એક્સપો 2026માં અપાયેલા આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત હવે માત્ર પોતાના સ્પેસ મિશનો પૂરતો સીમિત ન રહેતાં, વૈશ્વિક સ્તરે ઊભરતા દેશો માટે વિશ્વાસપાત્ર માર્ગદર્શક અને ટેક્નોલોજી પાર્ટનર બનવા માટે મક્કમ ડગલાં ભરી રહ્યું છે.

