મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ટ્રેન મોડી પડે તો તેના માટે રેલવે તંત્ર જવાબદાર, ગ્રાહક કમિશને ચૂકવ્યો વળતરનો આદેશ

અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક મહત્ત્વન

ટ્રેન મોડી પડે તો તેના માટે રેલવે તંત્ર જવાબદાર, ગ્રાહક કમિશને ચૂકવ્યો વળતરનો આદેશ

અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતને ટાંકતા ઠરાવ્યું હતું કે, રેલવેએ દસ્તાવેજી પુરાવાઓ દ્વારા ટ્રેનના લેટ એરાઈવલનું કારણ જણાવવું જોઈએ અને પુરવાર કરવું જોઈએ કે, મોડું તેમના નિયંત્રણ બહારના સંજોગોના કારણે થયું હતું. ટ્રેનના ડિલે અને લેટ એરાઇવલ માટે રેલવે તંત્ર વળતર ચૂકવવા જવાબદાર ઠરે.

રિફંડ રકમ વ્યાજ સાથે ચૂકવવા રેલવેને ફરમાન

કમિશનના ઈન્ચાર્જ પ્રમુખ કે. એમ. દવે અને સભ્ય બી. જે. આચાર્યએ પાંચ કલાક ટ્રેન મોડી પડવા બદલ રેલવે તંત્રને જવાબદાર ગણાવ્યું હતું. ફરિયાદી વકીલોને ટિકિટના રિફંડ પેટે રૂપિયા 3,300ની રકમ રિફંડ માટે અરજી કર્યાની તારીખ 22-8-2021થી વસૂલ આપે ત્યાં સુધી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા રેલવે તંત્રને ફરમાન કર્યું હતું. ફરિયાદીને થયેલ માનસિક ત્રાસના રૂપિયા 5 હજાર અને ફરિયાદ ખર્ચ પેટે રૂપિયા બે હજાર મળી કુલ રૂપિયા 7 હજાર ચૂકવી આપવા પણ રેલવે સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. 

કમિશને રેલવે અધિકારીઓના બચાવને સ્વીકાર્યો ન હતો

કમિશને પોતાના ચુકાદામાં અવલોકન કરતાં જણાવ્યું કે, કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પાંચ કલાક મોડી હોવાથી ફરિયાદીને જનરલ ટિકિટ લઈ અમદાવાદ આવવું પડ્યુ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને આમ, રેલવે અધિકારીઓની સેવામાં ખામી પુરવાર કરવામાં ફરિયાદી સફળ રહ્યા છે. કમિશને રેલવે અધિકારીઓ તરફથી કરાયેલા બચાવને સ્વીકાર્યો ન હતો. ફરિયાદ પક્ષ તરફથી ટિકિટ, ટ્રેનનું સ્ટેટસ બતાવતું સ્ટેશનનું ડિસ્પ્લે બોર્ડનો ફોટો, ટ્રેનના લાઈવ સ્ટેટસનો સ્ક્રીનશોટ, જનરલ ટિકિટની નકલ, લીગલ નોટિસ, ઈમેલ, પત્ર સહિતના પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે સમગ્ર કેસ પુરવાર થયો હતો.

આ સમાચાર શેર કરો