INDIA ગઠબંધન સત્તામાં આવશે તો બિહારમાં નાલંદા જેવી યુનિવર્સિટી બનાવીશું, બેગુસરાયમાં રાહુલ ગાંધીએ સભા ગજવી

બિહારના બેગુસરાયમાં રવિવારે એક વિશાળ જનમેદનીને સંબોધિત કરતી વખતે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારના લોકોને વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાગઠબંધન સત્તામાં આવશે, ત્યારે તેઓ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અને વિદ્યાર્થીઓ માટે વૈશ્વિકસ્તરની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે હું તમને ગેરંટી આપું છું કે જે દિવસે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે, ત્યારે અમે બિહારમાં નાલંદા યુનિવર્સિટી જેવી એક મોટી યુનિવર્સિટી બનાવીશુ. વિશ્વભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવશે. રાહુલ ગાંધીએ ખાતરી આપી હતી કે બિહારમાં મહાગઠબંધન સરકાર સમાજના તમામ વર્ગોની સેવા કરશે.
રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર પ્રહારો કર્યા
રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા અને તેમના પર ચૂંટણી પ્રચાર દરમિયાન ફક્ત વચનો આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદીજી ચૂંટણી પહેલા આવે છે, ભાષણો આપે છે અને તમે જે કહો છો તે કરવાનું વચન આપે છે. પરંતુ એકવાર ચૂંટણી પૂરી થઈ જાય પછી તેઓ બિહાર આવતા નથી કે તમારા મુદ્દાઓ સાંભળતા નથી.
વડા પ્રધાન મત માટે ડાન્સ પણ કરશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડા પ્રધાન મત માટે કંઈ પણ કરી શકે છે. તેમને ડાન્સ કરવાનું કહો અને આસનો કરવાનું કહો તે પણ કરશે. નોકરી આપવાને બદલે વડાપ્રધાન યુવાનોને સોશિયલ મીડિયા રીલ્સ જોવા માટે કહી રહ્યા છે. તેઓ તેમનું ધ્યાન ભટકાવવા માંગે છે.

