દિલ્હી-NCRમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

દિલ્હી અને એનસીઆર (NCR)ના વિસ્તારોમાં આજે અને કાલે ફરી વરસાદની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે મહત્તમ તાપમાન 37°C અને લઘુત્તમ તાપમાન 27°C આસપાસ રહી શકે છે. બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાશે અને 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તેજ આધી-વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 3 અને 4 મે માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
દેવભૂમિ ઉત્તરાખંડમાં 4 અને 5 મે માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. દહેરાદૂન, ટિહરી, હરિદ્વાર અને નૈનીતાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ, કરા પડવાની સંભાવના, વીજળીના કડાકા અને 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
અન્ય રાજ્યોની સ્થિતિ
ઉત્તર પ્રદેશ: પશ્ચિમી યુપીમાં તેજ પવન સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
પંજાબ અને હરિયાણા: અહીં પવન સાથે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.
બિહાર: દિવસ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેશે, પરંતુ રાત્રિના સમયે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ: અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
મુંબઈ અને ગુજરાત: મુંબઈમાં ભેજવાળું વાતાવરણ રહેશે જ્યારે ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહેશે, જોકે વાદળછાયા વાતાવરણને કારણે થોડી રાહત મળી શકે છે.
દક્ષિણ ભારત: કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ થતા બપોર પછી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

