VIDEO: દિલ્હીમાં જળમંત્રીના ઘરની બહાર જ જળબંબાકાર, 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
એક તરફ રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની પળોજણ ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હીમાં 24 કલાકમાં 228.1 મીમીથ

એક તરફ રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની પળોજણ ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હીમાં 24 કલાકમાં 228.1 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં કેજરીવાલ સરકારના જળમંત્રી આતિશીના નિવાસસ્થાન બહાર જ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં ગુરુવારે સવારે 8.30 વાગ્યાથી શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી 228 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે કે, 24 કલાકમાં નવ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
લેફ્ટનન્ટ ગવર્નરે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓને ઈમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપવા અને પાણી ભરાઈ જવાની સમસ્યાને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
2 મહિના માટે અધિકારીઓની રજાઓ રદ્દ
આપાતકાલીન બેઠકમાં એલજી સક્સેનાએ રજા પર ગયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે આગામી 2 મહિના માટે અધિકારીઓની રજાઓ પણ રદ્દ કરી દીધી છે.
24 કલાકમાં સિઝનનો 25% વરસાદ
IMD અનુસાર, 1936 પછી બીજી વખત 24 કલાકમાં 228 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર દિલ્હીમાં ચોમાસાની મોસમાં 800 મીમી વરસાદ પડે છે, જ્યારે ચોમાસાનો 25% વરસાદ 24 કલાકમાં થયો છે. જેના પગલે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રેલવે અને મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા
દિલ્હી પોલીસે જણાવ્યું કે સવારથી અમને ટ્રાફિક સમસ્યા, પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાયી થવાના ઘણા કોલ આવ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન,મેટ્રો સ્ટેશનો પર પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે મુસાફરોની મુશ્કેલી વધી હતી.








