18 વર્ષ પોલીસની નોકરી બાદ અધ્યાત્મ તરફ વળ્યા, કોણ છે નારાયણ સાકર વિશ્વ હરિ ભોલે બાબા?
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ રતિભાનપુરમાં આયોજિત ભોલે બાબા

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ રતિભાનપુરમાં આયોજિત ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડમાં લગભગ 50થી વધુ લોકોના મોત થયા હતા. આ ભાગદોડમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ઘણાની સ્થિતિ અત્યંત ગંભીર છે. અત્યાર સુધીમાં 50થી વધુ મૃતદેહોને ઇટાહ પોસ્ટ મોર્ટમ હોમમાં લાવવામાં આવ્યા છે. સીએમઓ ઉમેશ ત્રિપાઠીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
સાકર હરિ ને પટિયાલીના બાબા નારાયણ સાકર હરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હંમેશા તેમના સત્સંગમાં હજારો લોકો આવે છે. મળતી માહિતી મુજબ, નારાયણ સાકર હરી એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. આધ્યાત્મિકતાની દુનિયામાં આવતા પહેલા તેઓ ગુપ્તચર વિભાગમાં હતા. 1990માં સરકારી નોકરીમાં રાજીનામું આપી અધ્યાત્મ તરફ વળ્યા હતા.
નારાયણ સાકર હરિ તેમની પત્નીની સાથે જ સત્સંગમાં હાજરી આપે છે. તેમનો સત્સંગ ‘માનવ મંગલ મિલન સદભાવના સમાગમ’ કહેવાય છે. આ વખતે આ સત્સંગનું આયોજન હાથરસ જિલ્લાના સિકંદરરૌ તાલુકા, નેશનલ હાઈવે, ફુલરાઈ મુગલગઢી ગામ, 2 જુલાઈ, મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. જ્યાં સત્સંગ સમારોહ પૂરો થયા પછી બહાર નીકળતા સમયે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 50થી વધુ લોકોના મોત થયા છે.
હાથરસમાં થયેલા અકસ્માત પર સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે સત્સંગ દરમિયાન નાસભાગમાં જાનહાનિના સમાચાર અત્યંત દુઃખદ છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. જણાવી દઈએ કે, વર્ષ 2023માં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ તેમના કાર્યક્રમમાં આવ્યા હતા. તેમણે સત્સંગમાં ભાગ લીધાની તસવીરો શેર કરતી X પર એક પોસ્ટ પણ લખી હતી. જેમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે સમગ્ર બ્રહ્માંડમાં નારાયણ સાકર હરિને હંમેશ માટે વધાવવા જોઈએ.
બે વર્ષ પહેલા પણ જ્યારે દેશમાં કોરોનાની લહેર ચાલી રહી હતી ત્યારે મે 2022માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે માત્ર 50 લોકોને જ સત્સંગમાં આવવાની પરવાનગી આપી હતી, પરંતુ કાયદાનો ભંગ કરીને 50,000થી વધુ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી. અહીં એકઠી થયેલી ભીડને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા જિલ્લા પ્રશાસને પણ આયોજકો સામે ફરિયાદ નોંધાવી હતી








