Video: "ગુજરાત દેશનું સૌથી મોટું ડ્રગ્સ સપ્લાયર બની ગયું છે!" અમિત શાહના નિવેદન પર ભગવંત માનનો જોરદાર વળતો પ્રહાર

પંજાબમાં ડ્રગ્સના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો સામે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આકરા પ્રહારો કર્યા છે. ભગવંત માને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશમાં સૌથી મોટા ડ્રગ્સ કાર્ટેલ અગાઉની અકાલી દળ-ભાજપ ગઠબંધન સરકારના કાર્યકાળ દરમિયાન જ બન્યા હતા.
ભગવંત માને નિશાન સાધતા કહ્યું કે, "2007 થી 2017 વચ્ચે જ્યારે અકાલી દળ અને ભાજપની સરકાર સત્તામાં હતી, ત્યારે જાણીતા સ્મગલરોએ તત્કાલીન ઉચ્ચ કક્ષાના મંત્રીઓના નામ લીધા હતા. આજે એ જ લોકો સાથે કથિત રીતે સમજૂતીઓ કરવામાં આવી રહી છે."
તેમણે ગુજરાતના દરિયાઈ બંદરો પરથી ઝડપાતા નશીલા પદાર્થોના જથ્થા અંગે સીધા પ્રશ્નો ઉઠાવ્યા હતા. સત્તાવાળાઓએ પોતે કબૂલ્યું છે કે ગુજરાતમાંથી ₹૨૦,૦૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સરહદેથી ડ્રોન મારફતે નાનો જથ્થો આવી શકે છે, પરંતુ સમુદ્રી બંદરોનું શું? બંદરો પર કસ્ટમ્સ પ્રક્રિયા અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ૩,૦૦૦ કિલોગ્રામ જેટલા ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ કેવી રીતે ઘૂસી રહ્યા છે? ગુજરાતના બંદરો પરથી જે રીતે હજારો કિલોના જથ્થા ઝડપાઈ રહ્યા છે, તે જોતાં આપણા દેશ માટે ગુજરાત વાસ્તવમાં ડ્રગ્સનું સૌથી મોટું સપ્લાયર સાબિત થઈ રહ્યું છે.
પંજાબ સરકારના આ આક્રમક વલણથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ડ્રગ્સના મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બની ગયું છે.







