ગુજરાત દેશનું સૌથી ગરમ રાજ્ય બન્યું; પારો 42°Cને પાર, આ રાજ્યમાં પણ હીટવેવનું એલર્ટ
માર્ચની શરૂઆત સાથે જ દેશના કેટલાક ભાગમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં

માર્ચની શરૂઆત સાથે જ દેશના કેટલાક ભાગમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સામાન્ય કરતા વધુ ગરમી નોંધાઇ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કેટલાક રાજ્યમાં સ્વાસ્થ્ય જોખમની ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની પાર જતું રહ્યું છે. ગુજરાતને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર
ગુજરાત અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા હાઇ પ્રેશર સિસ્ટમને આ હીટવેવ માટે જવાબદાર માનવામાં આવી રહી છે. હવામાન વૈજ્ઞાનિક એસ.ડી.સનપ અનુસાર, આ ઉચ્ચ દબાણ પ્રણાલીને કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. હીટવેવને કારણે સૌથી વધુ પ્રભાવિત થનારામાં વૃદ્ધો, બાળકો અને બીમારીથી પીડિત લોકો સામેલ છે. હવામાન વિભાગે લોકોને પુરતા પ્રમાણમાં પાણી પીવા અને તડકાથી બચવાની સલાહ આપી છે.
ગુજરાત દેશનું સૌથી ગરમ રાજ્ય
દેશભરમાં તાપમાનના આંકડાને જોતા ગુજરાત સૌથી ગરમ રાજ્ય માનવામાં આવી રહ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાયું છે. રાજકોટમાં 42.1 ડિગ્રી સેલ્સિયસ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 41-41 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન સામાન્ય કરતા 7.6 ડિગ્રી વધારે નોંધાયું છે અને 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસમાં સામાન્ય રાહત મળવાની સંભાવના છે પરંતુ ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની આશંકા છે. એવામાં લોકોને એક્ટિવ રહેવા અને ગરમીથી બચવાના ઉપાય અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીનો કહેર
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. પૂણેમાં 12 માર્ચે આ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.કોરેગાંવ પાર્ક અને લોહગાંવમાં તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ રીતે રાજસ્થાનમાં પણ કેટલીક જગ્યાએ લૂની સ્થિતિ બનેલી છે.








