બેંગ્લુરૂથી અમદાવાદ સુધી સરકારી બસ સેવા શરૂ થશે, જાણો કેટલું હોઈ શકે છે ભાડું
કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC) ટૂંક સમયમાં છેક બેંગ્લુરૂથી અમદાવાદ અને બેંગ્

કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC) ટૂંક સમયમાં છેક બેંગ્લુરૂથી અમદાવાદ અને બેંગ્લુરૂથી જગન્નાથપુરી સુધીની બસ કનેક્ટિવિટી શરૂ કરવા જઈ રહી છે. યુરોપિયન સ્ટાઈલથી ડિઝાઈન આ એસી સ્લિપર બસ નવા રૂટ પર અંદાજિત 1500 કિમીનું અંતર આવરી લેશે. ખાનગી ઓપરેટર્સની વધતી હરીફાઈ અને અમદાવાદ-બેંગ્લુરૂની વધતી મુસાફરીની માગના કારણે કેએસઆરટીસીએ આ નિર્ણય લીધો છે.
હાલમાં તે મુંબઈ અને શીરડી સુધી 1000 કિમીનું અંતર આવરી લેતો લાંબા રૂટની સેવા આપે છે. કેએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર વી. અન્બુકુમારે આ યોજનામાં વોલ્વો બસની ગુણવત્તા, તેના સફળ ટ્રેક રેકોર્ડ વિશે જણાવ્યું હતું.
બેંગ્લુરૂથી પુરી સુધી સીધી બસ સેવા શરૂ કરાશે
હાલ ખાનગી ઓપરેટર્સ બેંગ્લુરૂથી અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, જયપુર, જોધપુર, જેસલમેર સહિત વિવિધ રૂટ પર બસ સેવા આપી રહ્યા છે. જેમાં સૌથી લાંબો રૂટ 2000 કિમીનો જેસલમેરનો છે. ઉલ્લેખનીય છે કે, બેંગ્લુરૂથી પુરી સુધી સીધી બસ સેવા ન હોવાથી આ રૂટ પર વધતી શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લેતાં બસ સેવા શરૂ કરાશે.
મુસાફરો લગભગ રૂ. 2500ના દરે 27થી 28 કલાકમાં અમદાવાદથી બેંગ્લુરૂ પહોંચશે
કેએસઆરટીસી આ નવી બસ સેવા અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, અને આંધ્રપ્રદેશના માર્ગ પરિવહન કોર્પોરેશન પાસેથી મંજૂરી મેળવી રહી છે. જેને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રત્યેક રૂટ પર શરૂઆતમાં બે બસો દોડાવવામાં આવશે. અંબારી ઉત્સવ બ્રાન્ડ હેઠળ તૈયાર આ બસોમાં ઓનબોર્ડ ટોઈલેટનું ફીચર નથી. મુસાફરો લગભગ રૂ. 2500ના નજીવા દરે 27થી 28 કલાકમાં અમદાવાદથી બેંગ્લુરૂ પહોંચશે. કેએસઆરટીસીએ અંબારી ઉત્સવ હેઠળ 20 મલ્ટી-એક્સેલ એસી સ્લિપર બસ ખરીદી છે. પ્રત્યેક બસની કિંમત રૂ. 1.8 કરોડ છે. જૂના મોડલની તુલનાએ આ નવી બસો એડવાન્સ ટેક્નોલોજી ધરાવે છે.








