આજથી છ મહિના સુધી નહીં થાય બદ્રીનાથનાં સામાન્ય દર્શન, જાણો ક્યારે બંધ થશે કપાટ

આજથી છ મહિના સુધી નહીં થાય બદ્રીનાથનાં સામાન્ય દર્શન, જાણો ક્યારે બંધ થશે કપાટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ આજે એટલે કે 16 નવેમ્બરની રાત્રે 9 વાગીને 37 મિનિટે શીતકાળ માટે વિધિવત રીતે બંધ કરી દેવાશે. આ સાથે જ વર્ષ 2026ની ચારધામ યાત્રાનું પણ સત્તાવાર સમાપન થશે. કપાટ બંધ કરવાની ધાર્મિક પ્રક્રિયાને લઈને મંદિર પરિસરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ ઐતિહાસિક અને પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચી રહ્યા છે.

23 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

જાહેરાત

વર્તમાન યાત્રા સીઝનમાં અત્યાર સુધીમાં 23 લાખ 21 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના દર્શન કરી ચૂક્યા છે. કપાટ બંધ થવાના અંતિમ દિવસે પણ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે અવરજવર જોવા મળી રહી છે અને સૌ કોઈ ભગવાન બદ્રીવિશાલના અંતિમ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

23 એપ્રિલે ખુલ્યા હતા મંદિરના કપાટ

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 23 એપ્રિલ 2026ના રોજ સવારે 6 વાગીને 15 મિનિટે બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજદિન સુધી દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના ચરણોમાં શીશ ઝુકાવવા માટે સતત આવતા રહ્યા છે અને સમગ્ર યાત્રા દરમિયાન ધામમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

શીતકાલીન ગાદી સ્થળ પર થશે પૂજા-અર્ચના

બદ્રીનાથ ધામના કપાટ શીતકાળ માટે બંધ થયા બાદ ભગવાન બદ્રીવિશાલની નિયમિત પૂજા-અર્ચના તેમના શીતકાલીન ગાદી સ્થળ પર સંપન્ન કરવામાં આવશે. શિયાળાની ઋતુ દરમિયાન મુખ્ય મંદિરમાં ભક્તો માટે સામાન્ય દર્શન બંધ રહેશે, પરંતુ પૌરાણિક પરંપરા અનુસાર ભગવાનની સેવા અને પૂજા નિર્ધારિત શીતકાલીન સ્થળ પર અવિરત ચાલુ રહેશે.

ચારધામ યાત્રાની વધુ એક સીઝન સંપન્ન

બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાની સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા પૂર્ણ વિરામ તરફ આગળ વધી છે. નોંધનીય છે કે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અગાઉથી જ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આમ, બદ્રીનાથના કપાટ બંધ થતા જ ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રાની વધુ એક સફળ સીઝનનું સમાપન થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત