સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના પૂર્વ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો, પાર્ટીના મુખ્ય 4 સ્તંભ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના પૂર્વ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વહીવટી તંત્રમાં લગભગ ચાર દાયકાની લાંબી સેવા બાદ તેમણે વારાણસી ખાતેથી પોતાની નવી રાજકીય સફરની શરૂઆત કરી છે. એમ. નાગેશ્વર રાવે શનિવારે ઔપચારિક રીતે 'સર્વજન સનાતન પાર્ટી' (SSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે વાત કરતા એમ. નાગેશ્વર રાવે જણાવ્યું હતું કે જાહેર વહીવટના તેમના અનુભવે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે ભારતનું પુનઃનિર્માણ માત્ર વહીવટી સુધારા પૂરતું સીમિત રહી શકે નહીં. દેશને પોતાની સનાતન સભ્યતા અને સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડાયેલા રહીને આધુનિક વિકાસ સાધવાની તાતી જરૂર છે.
પાર્ટીના મુખ્ય 4 સ્તંભ
નાગેશ્વર રાવના જણાવ્યા મુજબ, સર્વજન સનાતન પાર્ટી માત્ર પૂજા-પદ્ધતિ સુધી સીમિત નથી, પરંતુ તે સત્ય, ધર્મ, કર્તવ્ય, કરુણા, ન્યાય, પરિવાર, સમાજ અને લોકકલ્યાણ આધારિત જીવનશૈલી છે. પાર્ટીનું વિઝન મુખ્ય 4 સ્તંભો પર ટકેલું છે:
1. શિક્ષણ: ભારતીય સભ્યતા, ઇતિહાસ અને પરંપરાગત જ્ઞાનને વૈશ્વિક સ્તરના આધુનિક શિક્ષણ સાથે જોડવું.
2. આરોગ્ય: આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને ભારતીય સ્વાસ્થ્ય પરંપરાઓનો સુમેળ સાધીને ગુણવત્તાયુક્ત અને સરળતાથી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ આપવી.
3. આજીવિકા: યુવાનો, ખેડૂતો, કારીગરો, શ્રમિકો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો માટે સન્માનજનક રોજગારી અને આજીવિકાની તકોનું સર્જન કરવું.
4. સભ્યતા સાથે પુનઃજોડાણ: ભારતીય ભાષાઓ, કળાઓ, મંદિરો, તીર્થસ્થાનો, તહેવારો અને સાંસ્કૃતિક સંસ્થાઓને રાષ્ટ્રીય શક્તિના સ્ત્રોત તરીકે પ્રોત્સાહિત કરવા.
'સનાતન મૂળિયાં સાથેનું આધુનિક ભારત'
એમ. નાગેશ્વર રાવે ભારપૂર્વક કહ્યું કે તેમની પાર્ટીનો હેતુ ભૂતકાળમાં પાછા જવાનો નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરીને આધુનિક ભારતનું નિર્માણ કરવાનો છે.
-
મૂલ્યો આધારિત વિઝન: સનાતનને માત્ર ચૂંટણીના પ્રતીક તરીકે ન જોતાં, તેને શિક્ષણ, આરોગ્ય, પ્રશાસન અને સામાજિક જીવનમાં ઉતારવું જોઈએ.
-
મંદિરો અને તીર્થસ્થાનોનું સંરક્ષણ: મંદિરો માત્ર પૂજાના સ્થળો નથી, પરંતુ ભારતીય સભ્યતાની જીવંત સંસ્થાઓ છે. તેના સંચાલનમાં પારદર્શિતા, સન્માન અને જનભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ.
'કોઈ જ્ઞાતિ કે સમુદાયની વિરુદ્ધ નથી'
પોતાની વિચારધારા સ્પષ્ટ કરતા એમ. નાગેશ્વર રાવે જણાવ્યું કે સર્વજન સનાતન પાર્ટી કોઈ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ કે સમુદાયની વિરુદ્ધ નથી. સનાતન કોઈના વિરોધમાં નથી પરંતુ સર્વસમાવેશક છે. પાર્ટી સમાજમાં ભેદભાવ પેદા કરવાને બદલે તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.
કાશી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત તીર્થાનંદ, ઉપાધ્યક્ષ રીતુ રાઠોડ, મહાસચિવ રાજા સક્ષમ સિંહ યોગી, પ્રવક્તા બબીતા શર્મા, ઉત્તર પ્રદેશ પ્રભારી રાકેશ તિવારી અને સંગઠન મંત્રી નરનારાયણ સિંહ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

