VIDEO: મુંબઈમાં ભારે વરસાદથી જળબંબોળ: અંધેરી સબવે બંધ અને લોકલ ટ્રેનો પ્રભાવિત
મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે માયાનગરી પાણી-પાણી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ, ઠાણે અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા આ મુશળધાર વરસાદને લીધે અંધેરી સબવે, દાદર, કિંગ્સ સર્કલ અને ગાંધી માર્કેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઈનની લોકલ ટ્રેન સેવાઓ મોડી ચાલી રહી છે, જેથી નોકરિયાતો અને સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંપિંગ મશીનો દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

