લોકસભાના સ્પીકર પદ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફાઈટ, જાણો શું છે NDA અને INDIAનો ગેમ પ્લાન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી ગયા બાદ મોદીના કેબિનેટની ફાળવણી ચર્ચાનો વિષય રહી.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી ગયા બાદ મોદીના કેબિનેટની ફાળવણી ચર્ચાનો વિષય રહી. હવે એનડીએ વચ્ચે લોકસભા સ્પીકર પદ કોને મળશે તેને લઇને મારામારી ચાલી રહી છે. ત્યાં વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. સૂત્રોના અહેવાલ અનુસાર હવે સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષ પણ તેના ઉમેદવારને ઉતારે તેવી શક્યતા છે.
વિપક્ષ શેની રાહ જુએ છે?
માહિતી અનુસાર હાલમાં I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓ એનડીએ દ્વારા સ્પીકર પદ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે અને તેના પછી જ તેઓ આ મામલે કોઈ નિર્ણય કરશે તેવો સૂત્રોએ દાવો કર્યો હતો. તેમનું કહેવું છે કે જો એનડીએ અને I.N.D.I.A. ગઠબંધન વચ્ચે કોઈ ઉમેદવાર સર્વાનુમતે નક્કી નહીં કરવામાં આવે તો અમે અમારો સ્પીકર પદનો ઉમેદવાર મેદાને ઉતારીશું.
વિપક્ષે કરી મોટી માગ
આ દરમિયાન સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે સરકાર પાસે વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદની માગ કરી છે. આ સાથે ચેતવણી આપી છે કે જો તેમની આ માગ સ્વીકારવામાં નહીં આવે તો તે પોતાનો ઉમેદવાર સ્પીકર પદની ચૂંટણીમાં ઉતારશે અને પછી મતદાન દ્વારા જ નિર્ણય થશે.
18 જૂને સત્ર બોલાવાશે
માહિતી અનુસાર આગામી 24 જૂનથી 18મી લોકસભા માટે પ્રથમ સત્ર બોલાવાશે. 26 જૂને નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે ચૂંટણી યોજાશે જેમાં સ્પીકર પદ માટે ઘમસાણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન પાસે બહુમતનો 293 બેઠકનો આંકડો છે જ્યારે I.N.D.I.A. પાસે 234 બેઠકો છે.






