EVM 100 ટકા સુરક્ષિત, હરિયાણાની ચૂંટણીએ જવાબ આપી દીધો; મુખ્ય ચૂંટણી કમિશ્નરે કોંગ્રેસને સંભળાવ્યું
હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ ફરી એકવાર ઈવીએમમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો છ

હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ ફરી એકવાર ઈવીએમમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે ચૂંટણી પંચ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અગાઉ કહ્યું હતું કે જનતાએ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી EVMની વાત છે, તે 100% ફૂલપ્રૂફ છે. જો તે લોકો ફરીથી સવાલ ઉઠાવશે તો અમે તેનો જવાબ આપીશું.
કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે જે રીતે ઈઝરાયેલે હિઝબુલ્લાહના પેજર્સ હેક કર્યા છે તેવી જ રીતે ઈવીએમ પણ હેક થઈ શકે છે. અલ્વીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં વિપક્ષોએ દબાણ કરવું જોઈએ કે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવી જોઈએ. અન્યથા ભાજપ સરકાર અને ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં કંઈપણ કરી શકે છે. જો ઈઝરાયેલ લોકોની વોકી-ટોકી અને પેજર હેક કરી શકે છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે?
રાશિદ અલ્વીએ કહ્યું કે, પીએમ મોદીના ઈઝરાયેલ સાથે સારા સંબંધો છે. ઈઝરાયેલ આ બાબતોમાં નિષ્ણાત છે. ઈવીએમનો મોટો ખેલ ગમે ત્યાં થઈ શકે છે અને તેના માટે ભાજપ ચૂંટણી પહેલા જ આ બધો ખેલ કરી લે છે. ગત અઠવાડિયે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આશા છે કે, આ મુદ્દા પર નિર્દેશ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, EVM સંબંધિત મુદ્દા અંગે ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં EVMમાં ગરબડીની આશંકા છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે ચૂંટણી પંચને 20 સીટોની યાદી આપવામાં આવી છે જેના પર ઈવીએમમાં છેડછાડની આશંકા છે. ખેડાએ જણાવ્યું હતું કે, 20 બેઠકો પર અમારા ઉમેદવારોએ લેખિત કે મૌખિક ફરિયાદ કરી હતી. મતગણતરી દરમિયાન પણ આ મુદ્દો ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક EVM 99 ટકા બેટરી ચાર્જ દર્શાવે છે. આ એક વિચિત્ર સંયોગ છે કે જે મશીનો 99 ટકા ચાર્જ થઈ ગયા હતા તે એવા હતા જ્યાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જે મશીનોની બેટરી 60-70 ટકા ચાર્જ થતી હતી તેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ કેમ થઈ રહ્યું હતું?






