‘Eid’નો અર્થ તહેવાર થાય છે, ડિક્શનરી જોઈ લો: પવન ખેડાનો ભાજપને જવાબ

‘Eid’નો અર્થ તહેવાર થાય છે, ડિક્શનરી જોઈ લો: પવન ખેડાનો ભાજપને જવાબ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘Eid of Happiness’ ગણાવતા આપેલા નિવેદનને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ ભાજપના આરોપોનો જવાબ આપતા કહ્યું કે ‘Eid’નો અર્થ જ તહેવાર થાય છે. ભાજપના નેતાઓને આ શબ્દનો અર્થ સમજવો હોય તો ડિક્શનરી અથવા ગૂગલ જોઈ લેવું જોઈએ.

‘શું ભાજપના ઘરે ડિક્શનરી નથી?’

પવન ખેડાએ ભાજપ પર નિશાન સાધતા સવાલ કર્યો કે શું ભાજપના કોઈ નેતાના ઘરે ડિક્શનરી નથી? જો ડિક્શનરી ન હોય તો મોબાઇલમાં ગૂગલ કરીને પણ ‘Eid’નો અર્થ જાણી શકાય છે. તેમણે કહ્યું કે Eidનો અર્થ તહેવાર થાય છે. દિવાળીનો તહેવાર હોય કે હોળીનો, અહીં પણ તહેવારના અર્થમાં જ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેડાએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ આ વાત સમજવા માગતા નથી અને જાણીજોઈને નિવેદનને અલગ રીતે રજૂ કરી રહ્યા છે.

જાહેરાત

SIR મુદ્દે રાહુલ ગાંધીની ચર્ચાના પડકારનો ઉલ્લેખ

પવન ખેડાએ આ દરમિયાન મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision-SIR)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ભાજપને સલાહ આપી કે ખડગે અને કોંગ્રેસનાં નિવેદનો પર સમય બગાડવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ચર્ચા માટે તૈયાર કરે. ખેડાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ SIR મુદ્દે વડાપ્રધાન મોદીને ચર્ચાનો પડકાર આપ્યો છે. જો ભાજપ આ ચર્ચા કરવા માગતી ન હોય તો તેણે સ્પષ્ટ કહી દેવું જોઈએ કે તે ચર્ચાથી પાછળ હટી રહી છે.

ભાજપે કોંગ્રેસને ગણાવી ‘હિન્દુ વિરોધી’

બીજી તરફ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રામચંદર રાવે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કોંગ્રેસને ‘હિન્દુ વિરોધી’ ગણાવતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ હિન્દુ તહેવારો દરમિયાન પણ ઇસ્લામિક સંસ્કૃતિ અને મુસ્લિમ મતોની વધુ ચર્ચા કરે છે. રામચંદર રાવે કહ્યું કે ખડગે દ્વારા દિવાળીની સરખામણી Eid સાથે કરવી એ કોંગ્રેસની ‘વોટ બેંક પોલિટિક્સ’ દર્શાવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓના મનમાં સનાતન ધર્મ અને હિન્દુ તહેવારો પ્રત્યે પૂરતું સન્માન નથી.

શું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેએ?

ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઘણા લોકો દિવાળીને ‘Eid of Happiness’ તરીકે ઉજવે છે. તેમણે દેશવાસીઓને શુભકામનાઓ આપવાની સાથે શાંતિ અને એકતા જાળવવાની અપીલ કરી હતી. ખડગેએ કહ્યું હતું કે લોકો વચ્ચે કોઈ મતભેદ કે ગેરસમજ હોય તો તેને દૂર કરીને દેશની એકતા અને અખંડિતતા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. ખડગેના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હવે પવન ખેડાના વળતા જવાબથી આ મુદ્દો વધુ એક વખત રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત