Delhi Blast: અલ ફલાહ ટ્રસ્ટ સામે ઈડીનું મોટું એક્શન, દિલ્હી અને ફરીદાબાદમાં પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે સવારે દિલ્હીના ઓખલા વિસ્તારમાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડરિંગ (PMLA) કેસના સંદર્ભમાં પાડવામાં આવી રહ્યા છે જેમાં યુનિવર્સિટી અને તેના માલિકો અને મેનેજરો પર ગંભીર નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ED એ એક સાથે 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટનું મુખ્ય મથક, યુનિવર્સિટી કેમ્પસ અને તેના મેનેજરોના ખાનગી રહેઠાણોનો સમાવેશ થાય છે. સવારથી જ જામિયા નગર, ઓખલા વિહાર અને ફરીદાબાદમાં સેક્ટર 22માં આવેલા કેમ્પસમાં ED ટીમો તૈનાત કરવામાં આવી છે. ED એ અલ-ફલાહ અને તેના માલિકો સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિઓ અંગે PMLA કેસ પણ નોંધ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ટીમે દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો, લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. દરોડા ચાલુ છે, સાંજ સુધી વધુ કેટલાક સ્થળો પર દરોડા પડે તેવી શક્યતા છે.
EDની આ કાર્યવાહીને પગલે દિલ્હી પોલીસ અને સ્થાનિક પ્રશાસને સંપૂર્ણ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. હજી સુધી કોઈની ધરપકડની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે. આ કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો માહોલ છે.
થોડા મહિના પહેલા જ ઈડીએ અલ-ફલાહ યુનિવર્સિટી અને તેના માલિકો-સંચાલકો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ટ્રસ્ટ અને યુનિવર્સિટીના નામે કરોડો રૂપિયાનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું, વિદેશી દાનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સંપત્તિઓનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર લેવડ-દેવડ કરવામાં આવી.

