ચા વેચનારના નામે ચાલતી હતી ડમી યુનિવર્સિટી, અપહરણના નાટકથી ખૂલ્યું કરોડોનું કૌભાંડ

ઉત્તર પ્રદેશના એટામાં પોલીસે ફર્જી મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીના નામે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2022થી વિદ્યાર્થીઓને વિવિધ મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાના નામે રૂપિયા વસૂલવામાં આવતા હતા. ડિગ્રી અને માર્કશીટ આપવાની ખાતરી આપી વિદ્યાર્થીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
અપહરણની ખોટી માહિતીથી ખુલ્યું રહસ્ય
આ સમગ્ર મામલો 16 સપ્ટેમ્બરે શરૂ થયો હતો. પોલીસને જાણ કરવામાં આવી હતી કે સતેન્દ્ર કુમાર નામના વ્યક્તિનું અપહરણ થયું છે અને તેને છોડાવવા માટે મોટી રકમની ખંડણી માંગવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી અને સતેન્દ્રને આગ્રાથી સલામત રીતે શોધી કાઢ્યો.
તપાસ આગળ વધતાં પોલીસને અપહરણની કહાની શંકાસ્પદ લાગી. પોલીસના જણાવ્યા પ્રમાણે સતેન્દ્રે પોતે જ અપહરણનું નાટક રચ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પાસેથી લેવામાં આવેલા પૈસા પરત કરવાની માગ વધી રહી હોવાથી તેણે આ કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો દાવો છે.
2022થી ચાલી રહ્યું હતું કથિત કૌભાંડ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ‘બીએસ મેડિકલ કોલેજ એન્ડ યુનિવર્સિટી’ના નામે ડી-ફાર્મા, બી-ફાર્મા, બીએસસી નર્સિંગ, ડીએમએલટી, બીએમએલટી, જીએનએમ અને એએનએમ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ્યા બાદ તેમને ડિગ્રી અને માર્કશીટ આપવાનું વચન આપવામાં આવતું હતું.
ચા વેચનારના નામે સંસ્થાની નોંધણી
આ કેસનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે પોલીસના જણાવ્યા અનુસાર સંસ્થાને ભગવાન દાસ નામના વ્યક્તિના નામે દર્શાવવામાં આવી હતી. પોલીસ મુજબ ભગવાન દાસ ચાની દુકાન ચલાવે છે. તપાસમાં તેના નામનો ઉપયોગ કથિત રીતે મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી ચલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ડમી દસ્તાવેજોનો મોટો જથ્થો મળ્યો
પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, ફર્જી ચેક, વિદ્યાર્થીઓના ઓળખપત્ર, પ્રવેશ ફોર્મ, ફી રસીદો, હાજરી પત્રકો, પ્રશ્નપત્રો, પરીક્ષાની ઉત્તરવહીઓ, માર્કશીટ, નકલી મહોર, લેટરપેડ અને પ્રચાર સામગ્રી સહિતનો સામાન જપ્ત કર્યો હોવાનો દાવો કર્યો છે. આ દસ્તાવેજોની તપાસ દ્વારા કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકો અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ તપાસ ચાલી રહી છે.
પાંચ આરોપીઓની ધરપકડ
પોલીસે સતેન્દ્ર કુમાર, ગૌરવ અગ્રવાલ, ભગવાન દાસ, નરેન્દ્ર ઉર્ફે પપ્પુ અને મોહમ્મદ શરીફ કુરેશીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ કથિત ફર્જી સંસ્થા મારફતે કેટલા વિદ્યાર્થીઓ પાસેથી કેટલી રકમ લેવામાં આવી અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ કરી રહી છે.

