Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dry winds from Pakistan have dragged out the monsoon: the country has received 13% less rain than normal so far

VIDEO: પાકિસ્તાનથી આવતા સૂકા પવનોએ ચોમાસું ખેંચ્યું: દેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વચ્ચે દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ નબળી પડી રહી છે. પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારત તરફથી આવી રહેલા સૂકા પવનો પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હવામાંથી ભેજ શોષી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે વરસાદી વાદળો બંધાવામાં અડચણ ઊભી થઈ રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સૂકા પવનોની માઠી અસર આગામી દિવસોમાં વરસાદ પર પડી શકે છે, જેનાથી દેશમાં વરસાદની ખાધ વધુ વધવાની ભયાનક શક્યતા સેવાઈ રહી છે.

App Store

દેશમાં વરસાદની અસમાન સ્થિતિ

હાલ દેશના દરેક ભાગમાં ચોમાસાની સ્થિતિ એકસરખી નથી. ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઘટી શકે છે, જ્યારે પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થઈ શકે છે. આથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવા છતાં પણ સમગ્ર દેશનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો જ રહી શકે છે.

દેશમાં અત્યાર સુધી 13% ઓછો વરસાદ નોંધાયો

ભારતમાં વર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ વરસાદ સામાન્ય કરતાં લગભગ 13% ઓછો નોંધાયો છે. અલબત્ત, દરેક રાજ્યમાં એકસરખી સ્થિતિ નથી. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, તો ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી છે. ચોમાસું હવે ધીમે ધીમે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું હોવાથી જો આગામી દિવસોમાં સ્થિતિ આવી જ રહેશે, તો વરસાદની ઘટ પૂરી કરવી મુશ્કેલ બની જશે.

પાકિસ્તાનથી આવતા સૂકા પવનોની માઠી અસર

વરસાદ પડવા માટે હવામાં પૂરતો ભેજ હોવો અત્યંત જરૂરી છે. પરંતુ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારત તરફથી આવતા સૂકા પવનો આ ભેજને શોષી રહ્યા છે, જેની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ ચોમાસાના વરસાદ માટે ખૂબ મહત્ત્વની હોય છે. સામાન્ય રીતે આ સિસ્ટમ આગળ વધીને દેશના વિવિધ ભાગોમાં વરસાદ લાવે છે, પરંતુ સૂકા પવનોની અસરના કારણે આ સિસ્ટમનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભારત સુધી પહોંચતા જ નબળો પડી જાય છે.

પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ ચાલુ રહેશે

જ્યાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસું સુસ્ત રહેવાની શક્યતા છે, ત્યાં પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ મુસળધાર વરસાદ પણ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે દેશના એક હિસ્સામાં વરસાદ ચાલુ રહેશે જ્યારે બીજા હિસ્સામાં દુષ્કાળ જેવી સ્થિતિ રહેશે, જેના કારણે સમગ્ર દેશના કુલ વરસાદનો આંકડો સામાન્ય સુધી પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાનું વલણ કેવું રહેશે?

હાલમાં ચોમાસું પૂર્ણપણે વિદાય લઈ રહ્યું છે તેમ કહેવું ઉતાવળ ગણાશે. હવામાન શાસ્ત્રીઓ આ સ્થિતિને 'બ્રેક મોન્સૂન' (Break Monsoon) માની રહ્યા છે, જેમાં દેશના મોટા ભાગમાં થોડા દિવસો માટે વરસાદી પ્રવૃત્તિઓ ઘટી જતી હોય છે. આગામી દિવસોમાં ચોમાસાનું વલણ વધુ સ્પષ્ટ થશે. જો ઓગસ્ટના અંત સુધીમાં વરસાદી સિસ્ટમ ફરીથી મજબૂત નહીં થાય, તો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની ઘાટ સરભર કરવી મુશ્કેલ બનશે. હાલ ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૂકા પવનો અને પૂર્વ ભાગોમાં થતો વરસાદ - આ બે વિપરીત હવામાન ચોમાસા માટે સૌથી મોટો પડકાર બનેલા છે.