મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હતાશ અને નિરાશ કોંગ્રેસને મોદીના આંસુ ગમે છે, હું ગરીબી જીવીને આવ્યોઃ' પીએમ મોદી

ઝારખંડના પલામુ અને લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા

'હતાશ અને નિરાશ કોંગ્રેસને મોદીના આંસુ ગમે છે, હું ગરીબી જીવીને આવ્યોઃ' પીએમ મોદી

ઝારખંડના પલામુ અને લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તમારા લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે તમે જેએમએમ અને કોંગ્રેસને ધોળા દિવસે તારા બતાવી દીધા છે. 2014માં તમારા વોટે એવું કામ કર્યું કે આખી દુનિયા ભારતની લોકશાહીની તાકાતને સલામ કરવા લાગી.

પીએમ મોદીએ કહ્યું કે, 500 વર્ષથી આપણી કેટલી બેન દીકરીઓ સંઘર્ષ કરતી રહી. લાખો લોકો શહિદ થતા રહ્યા. કદાચ દુનિયામાં આટલો લાંબો સંઘર્ષ ક્યાંય નહીં થયો હોય જે અયોધ્યામાં થયો. તમારા એક વોટની તાકાતથી આજે રામ મંદિર બની ગયું. 

કોંગ્રેસ મોદીના આંસુમાં પોતાની ખુશી જુએ છે

વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ મોદીના આંસુમાં પોતાની ખુશી જુએ છે. હતાશ અને નિરાશ કોંગ્રેસને મોદીના આંસુ ગમે છે. જેમણે ગરીબી જોઈ નથી તે મારા આંસુની કિંમત, તેનો અર્થ જાણતા નથી. આ આંસુ જેમણે ગરીબી જોઈ છે, દુઃખમાં જીવન વિતાવ્યું છે તે જ સમજી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે હું પદ, પ્રતિષ્ઠા, સુખ અને સમૃદ્ધિથી દૂર છું. હું ગરીબીનું જીવન જીવીને અહીં આવ્યો છું.

કોંગ્રેસે ભ્રષ્ટાચારથી વારસો ઊભો કર્યો 

પીએમ મોદીએ કહ્યું કે, JMM-કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર દ્વારા અપાર સંપત્તિ બનાવી છે. સંપત્તિ હોય, રાજનીતિ હોય, બધું તેઓ પોતપોતાના બાળકો માટે ભેગું કરી રહ્યા છે. આ લોકો તેમના વારસદારો માટે વારસામાં કાળી કમાણી છોડીને જશે. પરંતુ મોદી મોજ માટે નહીં મિશન માટે આવ્યા છે, દેશના બાળકો જ મારા -આપણા વારસદાર છે.

કલમ 370ની દીવાલને જમીનમાં ધરબી દીધી

પીએમ મોદીએ કહ્યું કે તમારા એક વોટની તાકાતથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની દીવાલને જમીનમાં ધરબી દીધી. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને આંધ્રપ્રદેશમાં, પશુપતિથી તિરુપતિ સુધી નક્સલવાદે જે રીતે આતંક ફેલાવીને અહીંની જમીનને લોહીલુહાણ કરી જતા. પણ તમારા એક મતે અહીંની ધરતીને નક્સલવાદી આતંકથી મુક્તિ અપાવી.

સર્જિકલ સ્ટ્રાઈકના તમાચાએ પાકિસ્તાનને ખોખલું કરી દીધું

કોંગ્રેસના સમયમાં અહીં બોમ્બ ફૂટતા અને દિલ્હી સરકાર પાકિસ્તાનને લવલેટર મોકલતી હતી. કંઈક આશા રાખતી હતી. પરંતુ જેટલા લેટર પાકિસ્તાન જતા હતા. ત્યાંથી એ એટલા આતંકીઓ મોકલતા હતા. અને દેશમાં લોહીની હોળી રમાતી હતી. તમારા એક વોટે મારામાં એટલી તાકાત ભરી દીધી કે, મેં આવતા જ કહી દીધું હવે આ નહીં ચાલે. નવું ભારત રોદણાં નથી રોતું, ઘરમાં ઘૂસીને મારી આવે છે. સર્જિકલ સ્ટ્રાઈકના તમાચાએ પાકિસ્તાનને ખોખલું કરી દીધું હતું.

એક સમય એવો હતો કે જ્યારે આતંકી હુમલા બાદ કોંગ્રેસની ડરપોક સરકાર દુનિયાભરમાં જઈને રોતી હતી. પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન આખી દુનિયા સામે રોવે છે. પાકિસ્તાનના નેતાઓ કોંગ્રેસના શહેજાદાને પીએમ બનાવવા માટે દુઆ કરે છે. પરંતુ એક મજબૂત ભારત હવે મજબૂત સરકાર જ ઈચ્છે છે.

આ સમાચાર શેર કરો