SIRમાં નામ કપાયું છતાં ધારાસભ્ય બન્યાં, માત્ર 14 દિવસના પ્રચારમાં મેળવી ઐતિહાસિક જીત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 અનેક રીતે ઐતિહાસિક રહી છે. ભાજપની જીત અને મમતા બેનર્જીની હાર વચ્ચે એક એવી સ્ટોરી સામે આવી છે જે લોકશાહીમાં અડગ વિશ્વાસ અને વ્યક્તિગત સંઘર્ષની જીત દર્શાવે છે. આ વાત છે કોંગ્રેસના ઉમેદવાર મોતાબ શેખની, જેઓ આજે બંગાળના સૌથી નસીબદાર વ્યક્તિ માનવામાં આવે છે.
જ્યારે બધી આશાઓ તૂટી ગઈ હતી
58 વર્ષીય મોતાબ શેખ માટે એક મહિના પહેલા સ્થિતિ સાવ વિપરીત હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન નામ મેચ ન થવાને કારણે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં તેઓ ચૂંટણી લડવા તો ઠીક, મતદાન કરવા માટે પણ અયોગ્ય ઠર્યા હતા.
સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ અને છેલ્લી ઘડીએ જીત
મોતાબ શેખે હાર માનવાને બદલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને પ્રાથમિકતાના ધોરણે સુનાવણીની માંગ કરી. સુપ્રીમ કોર્ટે 5 એપ્રિલના રોજ તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. રસપ્રદ વાત એ છે કે, આ ચુકાદાના બીજા જ દિવસે એટલે કે 6 એપ્રિલે નામાંકન ભરવાની છેલ્લી તારીખ હતી અને શેખે પોતાનું ફોર્મ ભર્યું હતું.
ઐતિહાસિક જીતના આંકડા
ફરક્કા બેઠક પરથી મોતાબ શેખે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શેખને 63,050 મત મળ્યા હતા. ફરક્કા પર તેમણે 8,000 થી વધુ મતોના તફાવતથી વિજય મેળવ્યો. આ બેઠક પર સત્તાધારી TMC ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ, જ્યારે ભાજપ બીજા ક્રમે રહી. સમગ્ર બંગાળમાં કોંગ્રેસના જે માત્ર બે ઉમેદવારો જીત્યા છે, તેમાં મોતાબ શેખનો સમાવેશ થાય છે.
માત્ર 14 દિવસમાં જીતી લીધી જનતા
મોતાબ શેખને પ્રચાર માટે માત્ર 14 દિવસનો સમય મળ્યો હતો. તેણે જણાવ્યું કે, નામ કપાવાની સમસ્યા અને ટિકિટ મળવામાં થયેલા વિલંબને કારણે હું અડધી બેઠક પર જ પ્રચાર કરી શક્યો હતો, જો પૂરો સમય મળ્યો હોત તો જીતનું અંતર ઘણું મોટું હોત. મોતાબ શેખનો પરિવાર પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અગાઉ પંચાયત ચૂંટણી લડનાર શેખ માટે આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી. તેમની આ જીત દર્શાવે છે કે, જ્યારે જનતાનો સાથ હોય અને ન્યાયતંત્ર પર ભરોસો હોય, ત્યારે કોઈ પણ અવરોધ જીત રોકી શકતો નથી.

