Video: પ્રદૂષણથી પરેશાન દિલ્હીવાસીઓનો ઈન્ડિયા ગેટ પાસે પ્રચંડ વિરોધ, પ્રદર્શનકારીઓની અટકાયત

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદુષણ અત્યંત ભયજનક પરિસ્થિતિએ પહોંચ્યું છે, સરકારે પણ યોગ્ય પગલાં ન લેતા દિલ્હીવાસીઓની ધીરજ ખૂટી છે અને ઇન્ડિયા ગેટ નજીક હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરી છે. સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે યોગ્ય નીતિ બનાવે તેવી દિલ્હીના નાગરિકોની ઉગ્ર માંગ છે. પ્રદર્શનકારીઓએ 'વી વોન્ટ જસ્ટિસ અને હમ લેકે રહેંગે આઝાદી' જેવા નારા પણ લગાવ્યા હતા. તેમણે બેનરો અને પોસ્ટરો હાથમાં રાખ્યા હતા.
સરકારને નાગરિકોના સ્વાસ્થ્યની પરવા નથી
વિરોધ કરી રહેલી દિલ્હીની રહેવાસી નેહાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ આપણા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. અમે 10 વર્ષથી આનો સામનો કરી રહ્યા છીએ. કોઈને નાગરિકોના સ્વાસ્થ્ય અને અધિકારોની પરવા નથી.
મને સમજાતું નથી કે આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ, અને આપણે શા માટે પગલાં નથી લઈ રહ્યા. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, છતાં લોકોને બસોમાં ખેંચી લેવામાં આવી રહ્યા છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. આ સ્વચ્છ હવાનો મામલો છે. દિલ્હીના રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે, અને માંગ કરી રહ્યા છે કે સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે નીતિ બનાવે.
સતત 26મા દિવસે ખરાબ હવા
CPCB અનુસાર, દિલ્હીના લોકોએ રવિવારે સતત 26મા દિવસે ખરાબ હવા શ્વાસમાં લીધી. આ સિઝનમાં 14 ઓક્ટોબરે દિલ્હીની હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ. ત્યારથી પ્રદૂષણનું સ્તર સતત ખરાબ અથવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યું છે.

