રાહુલ ગાંધીને અમિત શાહ પર ટિપ્પણી કરવી ભારે પડી, 11 જૂને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
વિશેષ એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે આગામી 11 જૂનન

વિશેષ એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે આગામી 11 જૂનના આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલામાં રાંચીમાં બીજેપી નેતા નવીન ઝાએ નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના પર કોર્ટે સંજ્ઞાન લીધું હતું. આ સમગ્ર કેસમાં સાક્ષીઓ અને ટ્રાયલ ચાલી હતી. જે બાદ કોર્ટે અગાઉ રાહુલ ગાંધી સામે સમન્સ પણ જારી કર્યું હતું. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના સમન્સને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે રાહુલ ગાંધીની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ મંગળવારે રાંચીની MP MLA કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધીને સમન્સ જારી કરીને 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા સમન્સ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપમાં એક હત્યાનો આરોપી અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. આ નિવેદન બાદ રાહુલ વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. નવીન ઝાની અરજીમાં કહેવાયું છે કે, રાહુલના નિવેદનથી તેમને ઠેસ પહોંચી છે અને પાર્ટીની છબી પણ ખરાબ થઈ છે, તેથી ફરિયાદ દાખલ કરાઈ છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં દિલ્હીમાં એક અધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપમાં હત્યાનો આરોપી પણ અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. તેમના આ નિવેદન બાદ ચાઈબાસા કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ કોઈપણ જબરદસ્તીની કાર્યવાહી ન કરવાની મુદ્દત વધારી દીધી છે.






