રામ મંદિરનો મુદ્દો પણ ન ચાલ્યો, જાણો યુપીમાં કેવી રીતે પાછળ રહી ગઈ ભાજપ?
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન સુધી રામ મંદિરને લઈને ઘણ

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન સુધી રામ મંદિરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપના તમામ મોટા નેતાઓ રામ મંદિરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભાજપને રામ મંદિરના ઉદ્ઘાટનથી માત્ર યુપીમાં જ નહીં પરંતુ દેશના ઘણા ભાગોમાં પ્રોત્સાહન મળવાની આશા હતી. મંગળવારના લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા, 400ને પાર કરવાની ચર્ચા હતી, પરંતુ મંગળવારે પરિણામના દિવસે, એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે. વલણોમાં ભલે NDAને બહુમતી મળતી દેખાઈ રહી હોય, પરંતુ ભાજપ એકલી બહુમતથી દૂર જતી જોવા મળી રહી છે. ભાજપ એકલા બહુમતથી દૂર લાગે છે તેની પાછળનું મુખ્ય કારણ સૌથી મોટા રાજ્ય યુપીમાં તેનું પ્રદર્શન છે. અહીં ભાજપે તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું અને તેને આશા હતી કે, આ વખતે તે રામ મંદિરની મદદથી આમ કરી શકશે. પરંતુ જેમ-જેમ મતગણતરી આગળ વધી રહી છે, તેમ તેમ લાગી રહ્યું છે કે આવું થઈ શક્યું નથી.
રામ મંદિર ઉદ્ઘાટનના દિવસે વિપક્ષી નેતાઓની ગેરહાજરી બન્યો હતો એક મુદ્દો
22 જાન્યુઆરીએ રામમંદિરના અભિષેકના દિવસે સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓના કાર્યક્રમમાં ન આવવાનો હતો. જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના મોટા વિપક્ષી નેતાઓએ આ કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા, ત્યારે તેમના પર ભાજપ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મંચ પરથી સપા, કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોદીએ મંચ પરથી પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જો સપા-કોંગ્રેસ સરકારમાં આવશે તો તેઓ રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. જો સપા અને કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ રામ લલ્લાને ફરીથી ટેન્ટમાં મોકલી દેશે અને રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ માત્ર યુપીમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ પ્રચાર કરવા ગયા ત્યાં તેમણે કહ્યું કે, જે રામને લાવ્યા છે તેમને લોકો પાછા લાવશે. પરંતુ હાલમાં જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપ માટે એવી કોઈ વાત જણાતી નથી.
રામ મંદિરનો મુદ્દો ઠંડો ન પડે તે માટે લગાવ્યો હતો ભાર
તેમાં કોઈ શંકા નથી કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકના દિવસે દેશમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. માત્ર અયોધ્યા અને યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. દિવસ પણ મોટો હતો કારણ કે, રામ મંદિરનું સપનું પૂરું થઈ રહ્યું હતું. તે દિવસે દેખાતી લહેર બાદ ભાજપે યુપી સહિત સમગ્ર દેશમાં જોરદાર લહેર ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. રામ લલ્લાના અભિષેક પછી ભાજપની રાજ્ય સરકારોની કેબિનેટ તેમજ ઘણા VIP દ્વારા અયોધ્યાની મુલાકાત લેવાની પ્રક્રિયા બે મહિના સુધી ચાલુ રહી. સમગ્ર કવાયત એ સુનિશ્ચિત કરવા માટે હતી કે, રાજ્યમાં ચૂંટણી સુધી એક દિવસ પણ રામ મંદિરનો મુદ્દો ઠંડો ન પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી રાજ્યમાં ધામા નાખ્યા હતા. અયોધ્યામાં રોડ શો પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેની કોઈ અસર જોવા મળી રહી નથી.
લાંબા સમયથી હતો મુદ્દો
રામ મંદિરનો મુદ્દો લાંબા સમયથી ભાજપ માટે હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે મંદિર ક્યારે બનશે તેવો પ્રશ્ન પણ વારંવાર પૂછવામાં આવતો હતો. મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે… તેના દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવતો હતો. વાજપેયીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની ત્યારે ભાજપ આ વચન પૂરું કરી શક્યું ન હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, પૂર્ણ બહુમતવાળી સરકાર નથી. તો જ્યારે નરેન્દ્ર મોદી 2014માં પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન બન્યા, ત્યારે આશા વધી હતી કે, સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે. જોકે, આમાં પણ વિલંબ થયો પરંતુ આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો. કોરોનાના સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને ભવ્ય રામ મંદિર રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું હતું. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. હવે જ્યારે આજે પરિણામો આવી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, રામ મંદિરના માધ્યમથી હિંદુ મતો એકજૂટ થઈને તેમની તરફેણમાં જશે પરંતુ તેવું થયું તેવી નહીં.






