સત્તાની સાંઠગાંઠ/ કોઈને પૂર્ણ બહુમત ન મળતાં જોડતોડની કવાયત શરૂ
લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભાજપ કે INDIA ગઠબંધનમાંથી કોઈને બહુમતી મળતી નથી. આવી સ્થિતિમાં ભાજ

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભાજપ કે INDIA ગઠબંધનમાંથી કોઈને બહુમતી મળતી નથી. આવી સ્થિતિમાં ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યા છે. શરદ પવારે બિહારના સીએમ અને જેડીયુના વડા નીતીશ કુમાર સાથે વાત કરી છે. આ સિવાય સ્ટાલિન ચંદ્રબાબુ નાયડુના સંપર્કમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપીના વડા એન. ચંદ્રબાબુ નાયડુને NDAના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. નાયડુએ વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નેતૃત્વ TDP અને JDU બંને પક્ષોના ટોચના નેતાઓના સંપર્કમાં છે, જેથી જરૂર પડે તો તેમની મદદથી બહુમતી સાબિત કરી શકાય અને ભાજપને સત્તામાં આવતા અટકાવી શકાય.
જણાવી દઈએ કે નીતિશ કુમાર બે વખત ભાજપ છોડી ચૂક્યા છે. 2015માં નીતીશ કુમારે ભાજપ છોડીને કોંગ્રેસ અને આરજેડી સાથે મહાગઠબંધન કર્યું અને ચૂંટણી જીત્યા બાદ તેઓ સીએમ પણ બન્યા. આ સરકાર 2 વર્ષ સુધી ચાલી. આ પછી જુલાઈ 2017માં આરજેડી સાથે ટકરાવ થતાં નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને ફરીથી એનડીએમાં જોડાયા અને ભાજપની મદદથી સરકાર બનાવી હતી. 10 ઓગસ્ટ, 2022ના રોજ, નીતિશ કુમાર પાછા ભાજપ છોડીને લાલુ યાદવની પાર્ટીમાં જોડાયા. બંનેએ સાથે મળીને સરકાર બનાવી. નીતિશ કુમાર સીએમ બન્યા જ્યારે તેજસ્વી યાદવને ડેપ્યુટી સીએમ બનાવ્યા. બંનેની સરકાર બે વર્ષ સુધી ચાલી, પરંતુ ફરી એક વખત નીતિશ કુમારે પલટો કર્યો અને 28 જાન્યુઆરી 2024ના રોજ ભાજપમાં જોડાયા.






