જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનો દેશવ્યાપી મોરચો, અનેક શહેરોમાં પ્રદર્શન; અનેક શહેરોમાં પૂતળાં દહન

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસે શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. દિલ્હીથી લઈને જમ્મુ, કોલકાતા, ગુવાહાટી, ચંડીગઢ, પટના, લખનઉ અને હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. કાર્યકરોએ હાથમાં પોસ્ટર અને બેનર લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામા તથા ધરપકડની માંગ કરી હતી. કેટલાક સ્થળોએ વિરોધ દરમિયાન તેમના પૂતળાં પણ સળગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે લગાવ્યા ચૂંટણી પંચની કાર્યપ્રણાલી સામે સવાલ
કોંગ્રેસનું આ દેશવ્યાપી આંદોલન ચૂંટણી પંચ (Election Commission)માં કથિત આંતરિક મતભેદોના અહેવાલ બાદ થઈ રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના વિવિધ નિર્ણયો અંગે ઓછામાં ઓછા 14 વખત વાંધો નોંધાવ્યો હતો. તેમાં મતદાર યાદી અને વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) સાથે જોડાયેલા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
જોકે, ચૂંટણી પંચ સાથે સંકળાયેલા અધિકારીઓએ આ અહેવાલો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે SIR સહિત મહત્વપૂર્ણ નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરીથી લેવાયા હતા અને નિર્ણય પ્રક્રિયામાં એકમતતા હતી.
‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે’ કોંગ્રેસની માંગ
કોંગ્રેસે જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામા, પદ પરથી હટાવવાની કાર્યવાહી અને તેમની સામે તપાસની માંગ કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચમાં નિર્ણય પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કોંગ્રેસે 25 સપ્ટેમ્બરે દેશભરની રાજ્ય ચૂંટણી કચેરીઓ સુધી વિરોધ માર્ચ યોજવા માટે પોતાના રાજ્ય એકમોને સૂચના આપી હતી.
કોંગ્રેસના કાર્યકરોના વિરોધ દરમિયાન કેટલાક શહેરોમાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. દિલ્હી અને કોલકાતામાં ચૂંટણી કચેરીઓની આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી અને બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
પટનામાં વોટર કેનનનો ઉપયોગ
બિહારમાં કોંગ્રેસ કાર્યકરો ચૂંટણી પંચની કચેરી તરફ માર્ચ કરવા માટે એકઠા થયા હતા. પટનાના આર-બ્લોક વિસ્તારમાંથી કાર્યકરો આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ કાર્યકરોએ CEC જ્ઞાનેશ કુમાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. બિહાર કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અંગે સવાલો ઉઠાવતા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. પટનામાં અગાઉ પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ માર્ચ યોજવામાં આવ્યો હતો.
મણિપુરથી કોલકાતા સુધી વિરોધ
મણિપુરમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ ઇમ્ફાલમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી બહાર વિરોધ કર્યો હતો. અહેવાલો અનુસાર, કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પૂતળાં સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કોલકાતા, ચંડીગઢ, લખનઉ અને દેહરાદૂન સહિતના શહેરોમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોલકાતામાં કાર્યકરોએ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી તરફ માર્ચ કાઢી અને જ્ઞાનેશ કુમારની ધરપકડની માંગ કરી હતી.
SIR વિવાદ વચ્ચે રાજકીય ટકરાવ વધ્યો
આ સમગ્ર વિવાદ વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયાને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાની વચ્ચે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચના નિર્ણયો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે ચૂંટણી પંચે આંતરિક મતભેદ અંગેના અહેવાલોને નકારી કાઢતાં મહત્વપૂર્ણ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું જણાવ્યું છે.

