પહેલગામના આતંકીઓને પહેલાથી જ પકડીને રાખ્યા હતા; ઓપરેશન મહાદેવ પર કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે સેનાના 'ઓપરેશન મહાદેવ' પર સવાલ ઉઠાવ્યા છે. ઉદિત રાજે આશંકા વ્યક્ત કરી છે કે પહેલગામ આતંકી હુમલાના આતંકીઓને પહેલાથી જ પકડીને રાખવામાં આવ્યા હતા અને હવે સંસદમાં ચર્ચા પહેલા જ તેમને ઠાર મારવામાં આવ્યા. કોંગ્રેસના નેતાએ મોદી સરકાર પર 'ઇવેન્ટ મેનેજમેન્ટ'નો આરોપ લગાવ્યો છે.
સેના સરકારના દબાણમાં- ઉદિત રાજ
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ઉદિત રાજે આરોપ લગાવ્યો કે સેના સરકારના દબાણમાં છે. સેનાના હાથ કેટલીક વખત બાંધવામાં આવ્યા નહીં તો પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ હોત. કોંગ્રેસના નેતાએ ઓપરેશન મહાદેવ પર શંકા અને કેટલાક સવાલ ઉઠાવતા કહ્યું કે બની શકે કે પહેલાથી જ પકડીને રાખવામાં આવ્યા હોય અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા જ મારી દેવામાં આવ્યા.
ઓપરેશન સિંદૂર પર ચર્ચાને કારણે હવે માર્યા-ઉદિત રાજ
ઉદિત રાજે કહ્યું, 'શક્ય છે કે સેનાનો જે આતંકવાદી માર્યો ગયો છે, તેને રોકવા માટે કહેવામાં આવ્યું હશે કારણ કે સેના તેમના દબાણમાં છે. જોકે, સેના ઘણુ સારૂ કામ કરી રહી છે. ખુદ જ્યારે સેનાના અધિકારીએ કહ્યું કે તેમને એક્શન લેવા દેવામાં ના આવ્યું તો આજે જે એક આતંકવાદી જે પહેલગામ હુમલામાં સામેલ હતો તેને ઠાર મારવામાં આવ્યો. બની શકે કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની હતી તેને આ દિવસ માટે જ રોકીને રાખ્યો હોય, પછી ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રાખ્યુ હોય. બની શકે કે પહેલાથી આતંકીને પકડીને રાખ્યો હોય પણ માર્યો ના હોય? આતંકીને પહેલા કેમ ના પકડી લીધો? બાકી ક્યાં જતા રહ્યાં?'
પૂર્વ સાંસદે કહ્યું કે સરકારે સંસદમાં સૌથી પહેલા માફી માંગવી જોઇતી હતી કે પહેલગામ સુરક્ષામાં ચૂક થઇ. કોઇ પણ સ્તરની સિક્યુરિટી નહતી. BSF,CRPF, લોકલ પોલીસ કોઇ નહતું, તેનો અર્થ શું કાઢી શકાય?
કોઇ દેશ આપણી સાથે નથી, ઇજ્જત ઉતરી ગઇ છે: ઉદિત રાજ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો મહાશક્તિ અને બીજી નાની શક્તિ વચ્ચે લડાઇ થાય છે તો લડાઇ બાદ મહાશક્તિ પણ સ્વીકાર કરે છે કે અમારી શું ભૂલ થઇ? કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ટ્રમ્પે પણ કહ્યું કે 5-6 જેટ પાડવામાં આવ્યા. CDS ચૌહાણે પણ કહ્યું, કેપ્ટન શિવકુમારે પણ કહ્યું પરંતુ આજે પણ સંરક્ષણ મંત્રીએ બેઇમાનીવાળી વાત કરી અને સત્ય પણ ના જણાવ્યું.
શું છે ઓપરેશન મહાદેવ?
શ્રીનગરના જંગલોમાં સેનાના ટોચના પેરા કમાન્ડોએ પહેલગામ આતંકવાદી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને તેના બે સાથીઓને ઠાર માર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 22 એપ્રિલે પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા સુલેમાન ઉર્ફ આસિફ તે સમયે માર્યો ગયો જ્યારે સુરક્ષાદળોને ટેકનિકલ સંકેત મળ્યા બાદ 'ઓપરેશન મહાદેવ' નામનું અભિયાન શરૂ કર્યું હતું, તેમને જણાવ્યું કે આ ટેકનિકલ સંકેત એક એવા સેટેલાઇટ ફોનનો ઉપયોગનો ઇશારો કરી રહ્યો હતો, જેનો ઉપયોગ પહેલગામ હુમલાના હુમલાખોરોએ પણ કર્યો હતો. પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.

