પહેલગામ આતંકી હુમલાના આતંકી હજુ સુધી પકડાયા કેમ નથી? ખડગેએ મોદી સરકારને ઘેરી
સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. ઓપરેશન સિંદૂર બાદ સંસદના પ્રથમ સત્રના પહેલા દિવસે વિપક્ષે હંગામો કર્યો હતો.રાજ્યસભામાં પહેલગામ આતંકી હુમલાને લઇને મલ્લિકાર્જુન ખડગેએ સવાલ પૂછ્યા હતા જેનો જેપી નડ્ડાએ જવાબ આપ્યો હતો. આ પહેલા સંસદના બન્ને સદનમાં પહેલગામ આતંકી હુમલાને લઇને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પહેલગામ હુમલાના આતંકી હજુ સુધી પકડાયા નથી- ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે મે 267 હેઠળ ચર્ચાની માંગ કરતા નોટિસ આપી છે, નિયમો હેઠળ જ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, અત્યાર સુધી આતંકી પકડાયા નથી, માર્યા પણ નથી ગયા, તેમના LGએ માન્યુ કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતું. અમને જાણ કરવી જોઇએ, તેમને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 24 વખત એમ કહ્યું કે મારા હસ્તક્ષેપથી યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે.
આઝાદી પછી આવું ક્યારેય નથી થયું જે ઓપરેશન સિંદૂરમાં થયું- નડ્ડા
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ડિમાન્ડ પર નેતા સદન જેપી નડ્ડાએ કહ્યું કે આ મેસેજ ના જવો જોઇએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા નથી ઇચ્છતી. સરકાર તેના પર ચર્ચા માટે પુરી રીતે તૈયાર છે, તેમણે કહ્યું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવા માટે પ્રસ્તાવ મુક્યો છે. અમે પુરી રીતે દરેક પોઇન્ટ પર ચર્ચા માટે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે થયું તે આઝાદી બાદ દેશમાં ક્યારેય કોઇ ઓપરેશન દરમિયાન થયું નથી.
સંસદના બન્ને સદનમાં પહેલગામની ઘટના પર શોક વ્યક્ત કરાયો
સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામા પહેલગામ આતંકી હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ ઘટનાએ માત્ર દેશ,વૈશ્વિક ચેતનાને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. આ સભા આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કરે છે.
Operation Sindoor પર PM મોદીએ શું કહ્યું?
PM મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનીટમાં ઠાર કર્યા. અમે 100% લક્ષ્ય હાંસલ કર્યું. ભારતની લશ્કરી શક્તિએ બતાવ્યું છે કે તે કેટલી ઝડપથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં બનેલી લશ્કરી શક્તિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.'
પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસી માર્યા ગયા હતા
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં આતંકી હુમલો થયો હતો જેમાં 26 પ્રવાસી માર્યા ગયા હતા જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી TRFએ લીધી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા પાકિસ્તાનને જવાબ આપ્યો હતો અને પાકિસ્તાન તેમજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો.

