'લડાઇ બરાબરીવાલો મેં હોતી હૈ ', Operation Sindur પર રાજનાથ સિંહે PAKને આંખ બતાવી

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઇ હતી. આ ચર્ચા 16 કલાક ચાલશે. જ્યારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઇ તો સંસદનો માહોલ ગંભીર અને સંવેદનશીલ હતો.
પહેલગામના બૈસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તેને લઇને માત્ર દેશની જનતા જ નહીં પણ રાજકારણમાં ઉત્સુકતા અને સવાલ બન્ને હતા.એવામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતની સૈન્ય ક્ષમતા પર વિશ્વાસ બતાવ્યો અને વિપક્ષના સવાલોનો જવાબ પણ આપ્યો હતો. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે આજનું ભારત આતંકવાદ વિરૂદ્ધ માત્ર ચેતવણી જ નથી આપતું જવાબી કાર્યવાહી પણ કરે છે.
રાજનાથ સિંહે કહ્યું, ભારત હવે માત્ર દસ્તાવેજ નથી મોકલતું પણ આતંકને જડમૂળમાં જઇને ખતમ કરે છે. સંરક્ષણ મંત્રીએ પોતાના ભાષણ દરમિયાન એમ પણ કહ્યું કે પ્રેમ હોય કે લડાઇ, હંમેશા બરાબરીવાળા વચ્ચે થાય છે. રાજનાથ સિંહે સિંહ અને દેડકાનો ઉલ્લેખ કરતા પોતાની વાત મુકી હતી. પોતાના ભાષણ દરમિયાન રાજનાથ સિંહે ગોસ્વામી તુલસીદાસ અને ગૌતમ બુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો.
લોકસભામાં રાજનાથ સિંહે શું કહ્યું?
હવે ભારત ચુપ નથી બેસતું-જવાબ આપે છે
ઓપરેશન સિંદૂરને લઇને સોમવારે લોકસભામાં ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે સરકારનો પક્ષ મજબૂતી સાથે મુક્યો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પહેલગામના બૈસરન વિસ્તારમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે નિર્ણાયક કાર્યવાહી કરી અને પાકિસ્તાન તેમજ PoKમાં રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. રાજનાથ સિહે વિપક્ષના તમામ સવાલોનો વિસ્તારથી જવાબ આપ્યો અને ભારતની સૈન્ય તાકાત અને રણનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હવે ભારત ચુપ નથી રહેતું, આતંકનો જડમૂળથી સફાયો કરે છે
સંરક્ષણ મંત્રીએ કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારત હવે તે દેશ નથી રહ્યો જે ક્યારેક હતો. હવે આપણે માત્ર દસ્તાવેજ નથી મોકલતા જવાબી કાર્યવાહી પણ કરીએ છીએ. ભારત હવે આતંકને સહન નથી કરતું, તે તેનો જવાબ પણ આપે છે અને તેને જડમૂળથી ખતમ કરવાની તાકાત ધરાવે છે.
આપણી વાયુ સુરક્ષા પ્રણાલીએ દરેક હુમલા નિષ્ફળ બનાવ્યા
રાજનાથ સિંહે કહ્યું કે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી, ડ્રોન વિરોધી ટેકનિક અને ઇલેક્ટ્રોનિક સુરક્ષા સિસ્ટમે પાકિસ્તાનના દરેક હુમલાને પુરી રીતે નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાન આપણા કોઇ પણ લક્ષ્યન નુકસાન પહોંચાડી નથી શક્યુ અને ના તો કોઇ મહત્ત્વપૂર્ણ સૈન્ય સંપત્તિ પ્રભાવિત થઇ. આપણી સુરક્ષા વ્યવસ્થા એટલી મજબૂત હતી કે કોઇ પણ હુમલો સફળ થઇ શક્યો નથી.
કેટલા વિમાન તૂટ્યા આ નહીં પણ કેટલા દુશ્મન ઠાર માર્યા એમ પૂછો
સંરક્ષણ મંત્રીએ વિપક્ષના કેટલાક સવાલો પર નારાજગી વ્યક્ત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું, વિપક્ષના કેટલાક સભ્ય પૂછી રહ્યાં છે કે આપણા કેટલા વિમાન તૂટ્યા. મને લાગે છે કે આ સવાલ રાષ્ટ્રીય ભાવનાનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી કરતું. તમારે એમ પૂછવું જોઇએ કે આપણા સૈનિકોએ કેટલા દુશ્મનોને ઠાર માર્યા.

