ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 21 ઉમેદવારોના નામ કર્યા જાહેર, 17માંથી 15 ધારાસભ્યોને કર્યા રિપિટ
કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી

કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઝારખંડ સરકારમાં મંત્રી રહેલા ડૉ. રામેશ્વર ઓરાં, ઈરફાન અંસારી, બન્ના ગુપ્તા અને દીપિકા પાંડે સિંહ સહિત અન્ય ધારાસભ્યોને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામેશ્વર ઉરાંવને લોહરદગા વિધાનસભા બેઠક, બન્ના ગુપ્તા જમશેદપુર પશ્ચિમથી, દીપિકા પાંડે સિંહને મહાગામા અને ઈરફાન અંસારીને જામતારાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પાર્ટીએ ફરીથી 17માંથી 15 ધારાસભ્યોને ટિકિટ આપી છે. પાર્ટીએ પાંચ મહિલાઓને પણ મેદાનમાં ઉતારી છે. જેમાં દીપિકા પાંડે સિંહ, અંબા પ્રસાદ સાહુ, મમતા દેવી, પૂર્ણિમા નીરજ સિંહ અને શિલ્પી નેહા તિર્કીનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, જ્યારે શિલ્પી પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
પાકુરના ધારાસભ્ય આલમગીર આલમ અને બારીના ધારાસભ્ય ઉમાશંકર અકેલાના નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. આલમગીર આલમ જેલમાં છે. તેમની જગ્યાએ તેમની પત્ની કે પુત્રને ટિકિટ મળે તેવી શક્યતા છે. જો કે, અકેલા પર શંકા યથાવત્ છે.
જણાવી દઈએ કે આ વખતે ઝારખંડ ચૂંટણી ઘણી રીતે ખાસ છે. એક તરફ ભાજપ આ વખતે ઝારખંડ જીતવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ઈન્ડિયા બ્લોક પણ સરકાર જાળવી રાખવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર INDIA ગઠબંધનમાં કોંગ્રેસને 29 બેઠકો આપવા પર સહમતિ બની છે. જેમાં પાકુર, બારહી, ધનબાદ, બોકારો, કાંકે, પંકી, ડાલટનગંજ અને વિશ્રામપુર સીટનો સમાવેશ થાય છે. જો કે સીટ વહેંચણી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી કેટલીક બેઠકો બદલાઈ શકે છે.






