Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress crisis solver DK Shivakumar becomes new Chief Minister of Karnataka

કોંગ્રેસના સંકટમોચક ડી.કે. શિવકુમાર બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કોંગ્રેસના સંકટમોચક ડી.કે. શિવકુમાર બન્યા  કર્ણાટકના નવા મુખ્યમંત્રી
સોર્સ : gstv

કર્નાટકમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસના ચાણક્ય અને સંકટમોચક ગણાતા ડી.કે. શિવકુમારે રાજ્યની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી છે. બુધવારે (૩ જૂન) કોંગ્રેસના તમામ પ્રમુખ નેતાઓની હાજરીમાં તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જ્યારે વરિષ્ઠ દલિત નેતા જી. પરમેશ્વરાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે ડી.કે. શિવકુમારની કેબિનેટના અન્ય ૧૩ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાનો પણ સમાવેશ થાય છે.

App Store

 માતા અને સંતોના આશીર્વાદ લીધા

મુખ્યમંત્રી પદના શપથ લેવા નીકળતા પહેલા ડી.કે. શિવકુમાર સૌથી પહેલા પોતાની માતાના નિવાસ્થાને પહોંચીને આશીર્વાદ લીધા હતા. ત્યાંથી તેઓ સીધા રાજભવનના શપથગ્રહણ સ્થળે પહોંચી સંતોના આશીર્વાદ લીધા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સંત સમાજે શિવકુમારને આવકાર્યા હતા. મંચ પર પહોંચીને શિવકુમારે સૌથી પહેલા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ગળે લગાડીને તેમનું સન્માન કર્યું હતું, ત્યારબાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું સ્વાગત કર્યું હતું.

હાથમાં બંધારણની નકલ સાથે લીધા શપથ

રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા, ત્યારે તેમના હાથમાં ભારતના બંધારણની નકલ જોવા મળી હતી. આ બંધારણની નકલ હાથમાં રાખીને તેમણે પદની ગરિમા અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ ઐતિહાસિક ક્ષણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. શપથ લીધા બાદ ડી.કે. શિવકુમારે મંચ પરથી જનતા સમક્ષ ઝૂકીને આભાર વ્યક્ત કર્યો હતો.

 'કિંગમેકર' આખરે બન્યા કર્ણાટકના 'કિંગ'

જણાવી દઈએ કે, ત્રણ વર્ષ સુધી ચાલેલી આંતરિક ખેંચતાણ બાદ આખરે સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સિદ્ધારમૈયા દિલ્હીથી પરત ફર્યા બાદ રાજીનામું આપતાં આખી કેબિનેટ ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ ડી.કે. શિવકુમારે ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો કર્યો હતો અને શપથગ્રહણ માટે ૩ જૂનની તારીખ નક્કી થઈ હતી. બુધવારે સત્તાવાર શપથ લેવાની સાથે જ કર્ણાટક કોંગ્રેસના અસલી 'કિંગમેકર' હવે સત્તાવાર રીતે રાજ્યના 'કિંગ' બની ગયા છે.